Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ચોટીલાના જીવાપરમાં સરપંચના પતિની ભડાકે દઇ હત્યા

બે વર્ષ જૂના મનદુઃખનો ખાર રાખી મહિલા સરપંચ રેખાબેનના પતિ ભરતભાઇ ભનભાઇ પરાલીયા (કોળી) (ઉ.૩૦ને રાજેશ ઉર્ફ રાજૂ પરાલીયાએ ફાયરીંગ કરી ઢાળી દેતાં ચકચારઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી : રાતે ગરબીમાં નાટક શરૂ થવાનું હોઇ રાજૂને થોડે દૂર બેસવાનું ભરતભાઇએ કહેતાં ચડભડ થઇઃ નાટક પત્યા પછી ભરતભાઇ ઘરે જતા'તા ત્યારે આંતરીને ભડાકો કરી ભાગી ગયો

હત્યાનો ભોગ બનેલા ભરતભાઇનો નિષ્પ્રાણ દેહ અને ઘટના સ્થળ. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્વીર મોકલી હતી.

રાજકોટ તા. ૩: ચોટીલાના નાની મોલડી  પોલીસ મથક હેઠળના જીવાપર આણંદપુરના મહિલા સરપંચના પતિ કોળી યુવાનની મોડી રાતે એકાદ વાગ્યે ગામના જ કોળી યુવાને દેશી બંદૂકથી ભડાકો કરી હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. બે વર્ષથી જુનુ મનદુઃખ ચાલતું હતું તેમાં ગત રાતે ગરબીમાં નાટક શરૂ થવાનું હોઇ ત્યાંથી મહિલા સરપંચના પતિએ કોળી શખ્સને થોડા દૂર બેસવાનું કહેતાં ચડભડ થઇ હતી. એ પછી નાટક પુરૂ થયા બાદ દેશી બંદૂકથી ભડાકો કરવામાં આવ્યો હતો. હત્યાનો ભોગ બનનાર યુવાનના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

હત્યાની આ ઘટનામાં ચોટીલાના નાની મોલડી આઉટ પોસ્ટ પોલીસ મથકના સ્ટાફે  હત્યાનો ભોગ બનનાર ભરતભાઇ ભનાભાઇ પરાલીયા (કોળી) (ઉ.૩૦)ના કાકા પુંજાભાઇ રૂપાભાઇ પરાલીયા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી જીવાપર આણંદપરના રહેવાસી રાજેશ ઉર્ફ રાજૂ ગોવિંદભાઇ પરાલીયા (કોળી) સામે આઇપીસી ૩૦૨ તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) (૧-બી) એ, ૨૭ મુજબ હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા રાજૂની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં પુંજાભાઇએ જણાવ્યું છે કે બે વર્ષથી ભરતભાઇ અને રાજેશ ઉર્ફ રાજુ પરાલીયા વચ્ચે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી રાત્રીના એકાદ વાગ્યે જીવાપર ગામના ચોરા પાસે રાજુએ દેશ બંદૂકથી ભડાકો કરતાં ભરત પરાલીયાને ગંભીર ઇજાઓ થતાં ચોટીલા હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

સુરેન્દ્રનગરના ફારૂક ચોૈહાણના અહેવાલ મુજબ હત્યાનો ભોગ બનનાર ભરતભાઇના પત્નિ રેખાબેન જીવાપર આણંદપરના સરપંચ છે. ભરતભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેના એક ભાઇ રાજકોટ રહે છે. પુત્રોના નામ ઉદય અને હિરેન છે. આ બંને માસુમ ભાઇઓએ પિતાનું છત્ર ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

ફરિયાદી પુંજાભાઇએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે ગામની ગરબીમાં રાતે નાટકનો કાર્યક્રમ હતો. નાટક શરૂ થવાનું હતું ત્યારે રાજૂ ઉર્ફ રાજેશ સાવ નજીકમાં બેઠો હતો અને તેણે છાટોપાણી કર્યા હોય તેમ જણાતાં ભરતભાઇએ રાજૂને થોડે દૂર બેસવાનું કહેતાં બંને વચ્ચે બે વર્ષથી મનદુઃખ હોઇ રાજેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કર્યો હતો.

જે તે વખતે તે દૂર જતો રહ્યો હતો. એ પછી મોડી રાતે એકાદ વાગ્યે નાટક પુરૂ થતાં ભરતભાઇ ઘરે જવા રવાના થયા ત્યારે ગામના ચોરા પાસે રાજેશ ઉર્ફ રાજૂ સામે આવી ગયો હતો અને પોતાની પાસેની દેશી બંદૂકથી ભડાકો કરી ભાગી ગયો હતો. ભરતભાઇએ ચોટીલા હોસ્પિટલમાં દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. ચોટીલા નાની મોલડીના પી.એસ.આઇ. વી. પી. મકવાણા અને ટીમે આરોપીને ઝડપી લેવા દોડધામ આદરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો વ્યવસ્થા ખાડેઃ બે મહિનામાં ફાયરીંગની ત્રણ ઘટના

વઢવાણ તા. ૩: પ્રતિનિધી ફારૂ ક ચોૈહાણના કહેવા મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી છે. નાની નાની વાતે મોટા ગુના આચરી લેવામાં આવે છે. હત્યા, લૂંટ, ધાકધમકીના બનાવોમાં સતત વધારો થયો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. છેલ્લા એક માસમાં સુરેન્દ્રનગર જીલ્લામાં ફાયરીંગની ત્રણ ઘટના બની છે. જેમાં બે ઘાયલ થયા છે અને એકનું મોત નિપજ્યું છે. ગત રાતે મહિલા સરપંચના પતિની હત્યા થઇ એ પહેલા અગાઉ શિવમ હોટેલના સંચાલક દેવુભા વિક્રમસિંહ ઝાલા પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યુ હતું. ત્યારબાદ રતનપર વિસ્તારમાં ફાયરીંગ થયું હતું. આમ અવાર-નવાર ગમે તે ગમે ત્યારે ભડાકા કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના લીરા ઉડાડી રહ્યાનો માહોલ છે.

(1:04 pm IST)