Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાપર ભચાઉના ખેડૂતો પાક વિમાની રકમ ન ચૂકવાતા આકરા પાણીએ- લીલા દુષ્કાળથી થયેલ નુકસાનીની રકમ માટે કરી માંગ : વીમા કંપની સામે આક્ષેપો, સરકારને દરમ્યાનગીરી કરવા માંગ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર કાગળ ઉપર ન રહે તે જોવા ખેડૂતોની ટકોર

(ભુજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ખેડૂતોની ચિંતા કરતા હોય પણ તેમની યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. એવી જ પરિસ્થિતિ ગુજરાત સરકારની છે, ગત મહિને મુખ્યમંત્રી વિજય રૂપાણીને કચ્છના ખેડૂતોની પાકવિમાની બાકી રકમ પ્રત્યે મીડીયાએ ધ્યાન દોર્યા પછી પણ કંઈ પરિણામ આવ્યું નથી. આજે કચ્છના ભચાઉ તેમ જ રાપર તાલુકાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ભચાઉ એપીએમસી મધ્યે જાહેરસભા યોજીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર દ્વારા રજુઆત મોકલવાનો નિર્ણય કરીને મુખ્યમંત્રીના પત્રમાં તેમ જ સભામાં પોતાનો બળાપો ઠાલવીને ખેડૂતોની વ્યથા રજૂ કરો હતી. અત્યારે ખેડૂતો લીલા દુકાળનો સામનો કરી રહ્યા છે. મગ, બાજરી, ગુવાર, કપાસ એરંડાનો પાક અત્યારે વધુ વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તળે પાક નિષ્ફળ જતાં વળતરનો દાવો કરવા માંગે છે, પણ બેંક દ્વારા અને વીમા કંપની દ્વારા પાક વીમાની રકમ કાપી લીધા પછી પણ અત્યાર સુધી પોલીસી નંબર કે અન્ય કોઈ પણ માહિતી અપાઈ નથી. પરિણામે, ખેડૂતો વીમા માટે ક્લેઇમ કરી શકતા નથી. પાક વીમાનું પ્રીમિયમ ભર્યા છતાંયે જો ખેડૂતોને વીમાની રકમ ન મળે તો એ હકીકત ખેડૂતો માટે આઘાતજનક છે. વળી, ગત વર્ષ ૨૦૧૮ ની પાક વીમાની રકમ પણ હજી સુધી રાપર ભચાઉના ખેડૂતોને મળી નથી. વારંવાર સરકારનું ધ્યાન દોરવા છતાંયે આખોયે મુદ્દો ખેતીવાડી વિભાગ તેમ જ વીમા કંપની વચ્ચે અટવાયો છે, સરકાર કોઈ નિર્ણય લેતી નથી. પરિણામે છતે પાક વિમે ખેડૂતો દુઃખી છે, એક બાજુ પાક નિષફળ છે, બીજી બાજુ વીમાના પૈસા મળતા નથી, ત્રીજી બાજુ ખેડૂતો ઉપર આર્થિક બોજ અને રૂપિયાનું દેવું વધતું જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાક વીમા યોજના શરૂ કરવાનો હેતુ ખેડૂતોને મદદરૂપ બનીને તેમને દેવા મુક્ત કરવાનો છે. પણ, વીમા કંપનીની આડોડાઈ તેમ જ સરકારના યોગ્ય સંકલનના અભાવે પાક વીમા યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોઇ ખેડૂતો પરેશાન છે. ભાજપના સમર્થક એવા ભારતીય કિસાન સંઘના આ આક્ષેપો ખળભળાટ સર્જનાર છે, તેમ જ સરકારની જાહેરાત તેમ જ વાસ્તવિક પરિસ્થિતિની પોલ દર્શાવનારા છે. જોકે, પાક વીમો ઉતારનાર વીમા કંપની સામે સમગ્ર કચ્છમાં તેમ જ રાજ્યમાં અનેક ફરિયાદો થઈ ચૂકી છે. ખુદ કેન્દ્ર સરકાર પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં રહેલ ત્રુટીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરી નવી વ્યવસ્થા વિચારી રહી છે. પણ, સવાલ વર્તમાન પરિસ્થિતિમાં હેરાન પરેશાન જગતના તાત ની સમસ્યાના ઉકેલ માટેનો છે, આશા રાખીએ કે, ધરતીપુત્રો ની સમસ્યા સંવેદનશીલ સરકાર સુધી પહોંચશે અને પાક વીમા ના ક્લેઇમની રકમ ખેડૂતોને સમયસર મળી જશે.

(12:48 pm IST)