Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કચ્છમાં શિક્ષકોના સંગઠન વચ્ચે ઘર્ષણ- રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ઉપર જાહેરમાં હુમલો

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ખેતશી ગજરા ઉપર ભુજ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ ખાદી ખરીદી કાર્યક્રમ દરમ્યાન હુમલો કરતાં ચકચાર

ભુજ, તા.૩: ૨જી ઓકટોબર ગાંધીજયંતી પ્રસંગે ભુજ મધ્યે શિક્ષકો દ્વારા યોજાયેલો ખાદી ખરીદી કાર્યક્રમ હિંસક બન્યો હતો. શિક્ષકો ભલે અહિંસાના પાઠ ભણાવે પણ ગઈકાલે ભુજમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના ઉચ્ચ અધિકારીઓની હાજરી માંજ શિક્ષકોના બે સંગઠન વચ્ચેનું ઘર્ષણ હિંસામાં પરિણમ્યુ હતું.

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંદ્યના જિલ્લા પ્રમુખ ખેતશી ગજરા ઉપર અન્ય સંગઠન ભુજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ હુમલો કર્યો હતો. અન્ય શિક્ષક સંગઠનની પ્રવૃત્તિ બંધ કરવાની ખેતશી ગજરાને ચીમકી આપીને નયનસિંહ જાડેજાએ હુમલો કર્યો હતો.

કચ્છમાં પ્રાથમિક શિક્ષકોના બે સંગઠન વચ્ચેના ઘર્ષણ ના કારણે શિક્ષક સમાજમાં પણ ચકચાર સર્જાઈ છે. દરમ્યાન ઇજાગ્રસ્ત ખેતશી ગજરાએ પોતાના સંગઠન દ્વારા હુમલા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે હતાશ થયેલા સંગઠન દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

(12:10 pm IST)