Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ઇદેમિલાદનું જુલુસ ભવ્યતાની સાથે કાઢો પણ શરીઅતની પાબંદી અને સાદગી અપનાવો : શેખ

અમદાવાદ, તા. ૩ : દેશભરમાં કાર્યરત સંસ્થા આતંકવાદ વિરોધી સંગઠન સુન્ની યુથ વિંગ દ્વારા અમદાવાદમાં ફિકકે ઉમ્મત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે એક આલીમની અદામાં તકરીર કરતા હોય તે રીતે ઇદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું જુસુલ કઇ રીતે કાઢવું તેની વિસ્તૃત છણાવટ કરતા ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.

ધારાસભ્ય ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું કે ઇદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ મુસ્લિમ સમાજનો સૌથી મોટો પર્વ છે. તેની વિશ્વના અનેક દેશોમાં આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવે છે તેમજ ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવે છે. વિશ્વના દરેક દેશોમાં જે રીતે શાંતિપૂર્ણ રીતે જુલુસ કાઢવામાં આવે છે તે ખરેખર સરાનિય છે. ગુજરાતમાં પણ હાલ જે જુલુસ કાઢવામાં આવે છે તેનાથી અનેક ગણા લોકો એકઠા થાય તેવું ભવ્ય જુલુસ કાઢવું જોઇએ, પરંતુ સાથે સાથે શરીઅતની મર્યાદાનું પણ પાલન કરવું જોઇએ. જુલુસને ભવ્યાતિભવ્ય બનાવવા ઓલ્માએ ઇકરામ આહવાન કરે અને જણાવેલ કે જુલુસમાં સામેલ થનાર લોકો બાવુઝુ રહે, માથે અમામા શરીફ ધારણ કરે, મિસ્વાક સાથે રાખે અને એક પણ સમયની નમાઝ કઝા ન થાય તેનું ધ્યાન રાખે. જુલુસમાં ડી.જે.ની ધૂન પર જે રીતે યુવાનો અને મહિલાઓ બેહુરમતી કરતા જોવા મળે છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જુસુલમાં હમ્દ, ન્આતશરીફ અને સલાતો સલામ પઢવામાં આવે. આ અંગે તમામ મસ્લકના ઉલમાએ કિરામ સંયુકત રીતે ચર્ચા કરી ઇદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું જુસુલ ભવ્યાતિભવ્ય રીતે પણ સાદગીપૂર્વક કાઢવામાં આવે, તેનું લોકોને માર્ગદર્શન આપે અને મજલીસોમાં તથા જુમ્માના ખુત્બામાં પણ સમાજને આ મુજબનો સંદેશો પહોંચાડે તો આ પ્રકારે નીકળનારા જુલુસની ભવ્યતા પર ચાર ચાંદ લાગી જશે અને લોકો પણ આ ઉમ્મત પર ફર્ખ્રકરશે

સુન્ની યુથ વિંગ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મોહમ્મદ રફીક નૂરીએ તમામ મહાનુભાવોને ફુલહારથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સુન્ની યુથ વિંગના ગુજરાત પ્રદેશના આગેવાનો, તેમજ વિવિધ રાજયોમાંથી મૌલવીઓ, વિવિધ ખાનકાહના ધર્મગુરૂઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:06 pm IST)