Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

૪૬૦૦૦ શિક્ષકોએ એક જ દિ'માં રૂપિયા ૧.૭૫ કરોડની ખાદી ખરીદી

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની અકિલા સાથે વાતચીત : સચિવાલયનો શિક્ષણ વિભાગનો સ્ટાફ દર મંગળવારે ખાદી પહેરે છે

રાજકોટ તા.૩: રાજયમાં ખાદીની ખરીદી અને ઉપયોગ માટેની શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અપીલને શિક્ષકો અને શિક્ષણ વિભાગે જબ્બર પ્રતિસાદ આપ્યો છે ગઇકાલે ગાંધી જયંતીના એક જ દિવસમાં ૪૬૦૦૦ શિક્ષકોએ ખાદી ખરીદીની તવારીખી ઘટના સર્જી દીધી છે ખાદી ગ્રામોદ્યાગને પ્રોત્સાહનની દિશામાં આ મહત્વનું પગલુ છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મેં ખાદી ખરીદવા કરેલી અપીલને શિક્ષકોએ ઉત્સાહવર્ધક પ્રતિસાદ આપ્યો છે ગઇકાલે સાંજ સુધીમાં એક જ દિવસમાં રાજ્યમાં ૪૬ હજાર શિક્ષકોએ રૂ.૧.૭૫ કરોડની ખાદી ખરીદી છે. ૨૦૧૭ થી આ અભિયાન ચાલુ છે તેમાં ઉતરોતર વધારો થતો જાય છે. મેં પોતે ગાંધીનગરના સેકટર-૧૬માંથી ખાદી ખરીદી છે. ખાદી ખરીદી માટે આખુ અઠવાડિયુ અભિયાન ચાલી રહ્યુ છે શિક્ષકો આ દિવસોમાં વિશેષ ખરીદી કરશે. હું સચિવાલયનો શિક્ષણ વિભાગનો સ્ટાફ દર મંગળવારે સ્વૈચ્છિક રીતે ખાદીના વસ્ત્રો પહેરીએ છીએ. ખાદીની ખરીદીથી ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા ગરીબ કુટુંબોને મદદ મળે છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ખાદી ખરીદીની મારી અપીલને દિલથી સ્વીકારી તેનો આનંદ છે.

(11:35 am IST)