Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જસદણની હીરા લુંટમાં ૮ લુંટારૂઓ ૩ દિ'ના રિમાન્ડ પરઃ ભાગ પાડે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા

રાજકોટ, તા., ૩: જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરા વેચવા આવતા બોટાદ પંથકના હિરાના વેપારીઓની ધોળે દિવસે  લુંટી લેનાર લુંટારૂ ટોળકીને કોર્ટે ૩ દિ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. હિરાની લુંટ કર્યા બાદ લુંટારૂ ટોળકીના સાગ્રીતો ભાગ પાડે તે પહેલા જ પોલીસના હાથે સપડાઇ ગયા હતા. 

પ્રાપ્ત વિગતો મુજબ  જસદણ ઘેલા સોમનાથ રોડ ઉપર ગત રવિવારે બોટાદના હિરાના વેપારીઓ જસદણ હિરા બજારમાં લાખો રૂપીયાના હિરા લઇ જસદણ આવતા હતા ત્યારે વેપારીઓની કારને ઓવર ટેઇક કરી પલકવારમાં બે કારમાં આવેલા આઠ આરોપીઓ ૧૫.૧૯ લાખના હિરા અને રોકડ રકમ લુંટી કારમાં નાસી છુટયાની ઘટના બની હતી.

દિન દહાડે થયેલી આ લુંટ પોલીસ માટે પણ પડકારરૂપ બની હોય રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના સીધા માર્ગદર્શન  હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ  મહેન્દ્રસિંહ રાણા તથા પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણત્રીના કલાકોમાં જ હીરાની લુંટ કરનાર  અમીત નરસી મેણીયા (ઉ.વ.ર૭) (રહે. હરીધામ સોસા. બોટાદ, મુળ પીપરડી, તા.  ચોટીલા)  અશોક ઉર્ફે ગડુ ખીમજી દુમાદીયા (ઉ.વ.ર૪) (રહે. કુવાડવા રોડ, નવાગામ-રાજકોટ, મૂળ આંબરડી, તા. ચોટીલા)  નિલેશ રણછોડ આલ (ઉ.વ.ર૧) (રહે. ગઢડા રોડ, બોટાદ, મુળ અમરાપુર, તા.જસદણ) જયેશ  જીવણ કણજારીયા (ઉ.વ.ર૮) (રહે. તુરખા રોડ, બોટાદ, મુળ રતનપર) મહાવીર વલકુ ખાચર (ઉ.વ.૧૯) (રહે. બ્રાહ્મણ સોસાયટી, પાળીયા રોડ, બોટાદ, મૂળ સઇડા) રાજદીપ શાન્તુ ખાચર (ઉ.વ.ર૬) (રહે. આનંદધામ કૃષ્ણસાગર સોસાયટી, બોટાદ, મુળ કાંધાસર, તા. ચોટીલા) કિશન મનુ આકોલીયા (ઉ.વ.ર૩) (રહે. બ્રાહ્મણ સોસાયટી, બોટાદ મૂળ નોલી) અને ભાવેશ મનુ આકવીયા (ઉ.વ.ર૭) (રહે. બ્રાહ્મણ સોસાયટી, બોટાદ મૂળ નોલી)ને ઝડપી લઇ જસદણ પોલીસને હવાલે કર્યા હતા. આ લુંટના મુખ્ય કાવત્રાખોર તરીકે જયેશ જીવણભાઇ કણજારીયા (રહે. બોટાદ) તથા ભાવેશ મનુભાઇ આકવીયા (રહે. બોટાદ) તથા કિશન મનુભાઇ આકોલીયા (રહે. બોટાદ)ના નામો ખુલ્યા છે. આ ત્રણેય શખ્સો પૈકી જયેશ હીરાની દલાલીનું કામ કરે છે. ત્રણેયને દેણુ વધી જતા હીરાના વેપારીઓને લુંટવાનો પ્લાન રચ્યો હતો અને તે માટે ઉકત ત્રણેયે ે અગાઉથી જે  હીરાના વેપારીઓને લુંટવાના હતા તેની માહીતી મેળવી હતી અને તેઓ કયારે હિરા વેચવા  જાય છે તે બાબતની માહીતી મેળવવા હીરાના વેપારીઓ ઉપર સતત વોચ રાખી લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પકડાયેલ લુંટારૂ ટોળકીને જસદણના પીઆઇ વી.આર.વાણીયા તથા સ્ટાફે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પીઆઇ વાણીયાએ જણાવ્યું હતું કે લુંટાયેલ હીરાનો તમામ મુદામાલ રીકવર થઇ ગયો છે. જયારે રોકડ રકમ રીકવર કરવા તપાસ હાથ ધરાઇ છે.

(11:33 am IST)