Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ધોરાજીમાં ગાંધી જયંતિ પર્વે અસત્યના પ્રયોગો? ૬ વર્ષ જુની ડીડીટી પાવડરનો છંટકાવ

ધોરાજી, તા.૩: સત્યના આગ્રહી પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે ધોરાજીના નળીયા કોલોની ખાતે નગરસેવકો દ્વારા સફાઈ અને ડીડીટીનો છંટકાવ કરાયો હતો.ઙ્ગ

જે ડીડીટી પાવડર ની થેલીઓમાં પાવડરને બદલે પાવડરના પીંડા જોવા મળ્યા હતા. અને ચોંકાવનારી બાબત સામે આવી હતી. પાવડર ની થેલીઓ ૬ વર્ષ પહેલા ની હતી. એકસપાયરી ડેટ પુરી થઈ ગઈ તેને પણ ચાર વર્ષ પુરા થઈ ગયેલ હોવાનું ઉજાગર થવા પામ્યું હતું.

ડિડીટી ની થેલી પર મેન્યુફેકચરિંગ ડેટ ફેબ્રુઆરી ૨૦૧૩ ની હતી. અને એકસપાયરી મુદત બે બાદની હતી. આ પ્રમાણે આ પાવડરનો જથ્થો એકસ્પાયર થયાને હાલ ચાર વર્ષ વીતી ગયાં છે. તો ગાંધી જયંતિ પર્વે ખાસ કરીને હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં 'અસત્યનાં પ્રયોગો' થયા હોવાની ઘટના પ્રત્યક્ષ લોકોએ નિહાળી હતી.

ધોરાજીના નળીયા કોલોની ખાતે ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન માં નગરપાલિકા ના સભ્યો દિનેશ વોરા, પ્રફુલભાઇ વદ્યાસિયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા સહિત આગેવાનો જોડાયા હતા. ત્યારે નગરપાલિકા માંથી મેળવેલ ડિડીટી પાવડરની થેલીમાં ઘાલમેલ જણાતા લતાવાસીઓ એકઠા થઇ ગયા હતા.

આ અંગે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા એ જણાવેલકે મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે વોર્ડ નંબર ૬ માં સફાઈ કરી સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ય નગરસેવકો અને પણ જોડાયા હતા. સફાઈ દરમિયાન ડિડીટી ની થેલી મીડિયા ની ઉપસ્થિતિમાં ખોલવામાં આવતા અંદરથી પાવડરને બદલે જામી ગયેલા પીંડા નીકળ્યા હતા. આ થેલીની મેન્યુફેકચરિંગ અને એકસપાયરી ડેટ જોતા ૪ થી ૬ વર્ષ જૂની હોવાનું જાણ સમક્ષ આવ્યું હતું.

આ થેલીઓ નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક ગોલમાલ હોવાની આશંકા જણાઈ આવે છે. આ મામલે નગરપાલિકા નિયામક ને પુરાવા સાથે ફરિયાદ મોકલવામાં આવશે.

(11:32 am IST)