Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

તાલાલાની રીપલ ઇન્ડીયા ઇન્ફ્રા. લી. કંપનીના એજન્ટની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

થાપણદારો પાસેથી કરોડો ઉઘરાવી ઓફીસને તાળા મારી નાસી જવાના ગુનામાં

રાજકોટ, તા., ૩: રાજકોટના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજે આરોપી ધ્રુવ નિશાદની આગોતરા જામીન અરજી રદ કરી ઠરાવેલ છે કે રીયલ ઇન્ડીયા ઇન્ફ્રા લી.ના એજન્ટ તરીકે તલાલા વિસ્તારમાં કામ કરતા આરોપી ધ્રુવ નિશાદએ નિર્દોષ અને ભલાભોળા થાપણદારો પાસેથી મોટી રકમો થાપણ તરીકે મેળવી તેઓને વ્યાજ કે મુદલ ન ચુકવી અને પોતાની ઓફીસ રાતોરાત બંધ કરી દઇ કૌભાંડ આચરેલ છે તેથી તેઓને આગોતરા જામીન આપી શકાય નહી.

આ કામે શ્રી સરકાર વતી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે હાજર થઇ જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઇ કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે ગુજરાત સરકારે ખાસ રીતે ઘડેલ આ કાયદાની જોગવાઇ મુજબ થાપણ મેળવનાર કંપની રીયલ ઇન્ડીયા ઇન્ફ્રા લી.ના ફકત ડીરેકટરો અને પ્રમોટરો જ આરોપી ગણાતા નથી પરંતુ તેઓ વતી અને તેઓની સુચના મુજબ કાર્ય કરતા તમામ વ્યકિતઓ જેઓએ થાપણો મુકવા માટે મધ્યમવર્ગના લોકોને આકર્ષેલ હોય તેવા તમામ વ્યકિતઓ પણ આ કાયદા હેઠળ આરોપી ગણાય છે. હાલના અરજદારે થાપણ મેળવનાર કંપની વતી બરોડાના નિવાસી હોવા છતા તલાલા જેવા દૂરના વિસ્તારોમાં આવી નાના-નાના ગામના ભોળા લોકો પાસેથી ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની થાપણો મેળવેલ છે. આ કિસ્સામાં ફકત વેરાવળ જિલ્લાના વિવિધ ગામોમાંથી સવા-૩ કરોડની થાપણ આ આરોપીએ લોકો પાસેથી મેળવેલ છે અને શરૂઆતના થોડા મહિનાઓ સુધી વ્યાજ આપી બીજા અન્ય ઘણા લોકોને અપ્રત્યક્ષ રીતે આકર્ષેલ છે. આ રીતે સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયાની થાપણો મેળવી એક સમયે રાતોરાત ઓફીસ બંધ કરી ભાગી ગયેલ છે. આવા સંજોગોમાં આવી વ્યકિત જયારે ખાસ અદાલત સમક્ષ પોતે નિર્દોષ હોવાનું કે પોતે અધિકૃત ન હોવાનું જણાવી આગોતરા જામીનની માંગણી કરે ત્યારે તેઓ સામે કાયદાની સખ્ત અને કડક જોગવાઇઓને ધ્યાનમાં લઇ આગોતરા જામીન નામંજુર કરવા જોઇએ. નામ.ખાસ અદાલતનું એ હકિકત પ્રત્યે પણ ખાસ ધ્યાન દોરવામાં આવેલ કે, આ કંપનીએ આરોપી મારફત સમગ્ર ગુજરાતમાંથી કરોડોની થાપણ મેળવેલ છે અને હવે રીયલ ઈન્ડિયા ઇન્ફ્રા લી.ના કોઇ સંચાલકો મળી આવતા નથી ત્યારે આ હકિકતની ગંભીર નોંધ લઇ આરોપી ધ્રુવ નિશાદની આગોતરા જામીન અરજી નામંજુર કરવી જોઇએ. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઇ નામ. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબે આરોપી ધ્રુવ નિશાદની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર વતી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુર તરીકે હાજર થઇ જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરેલ હતી.(૧.૨૯)

 

(4:20 pm IST)