Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વાંકાનેરના પીઆઈની બદલીની માંગ સાથે જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ

મોરબીથી રઘુવંશી સમાજના આગેવાનો દોડી ગયા

વાંકાનેર, તા. ૩ :. શહેર પોલીસના પી.આઈ. બી.ટી. વાઢીયાએ પદયાત્રીની સેવા માટે ફાળો એકત્ર કરતા સેવકો સામે કરેલ અભદ્ર વાણીવિલાસના વિરોધમાં અને પીઆઈની બદલીની માંગણી સાથે વાંકાનેર ભાજપના અગ્રણી નેતા અને સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી સમાજમાં મોભાદાર નામના ધરાવતા રઘુવંશી નેતા જીતુભાઈ સોમાણી એ તેમના નિવાસ સ્થાને ઉપવાસ છાવણી ઉભી કરી ચાર દિવસ અનશન બાદ બે દિવસથી માત્ર પાણી ઉપર આમ કુલ છ દિવસથી શરૂ કરેલા આંદોલનને પગલે સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી સમાજમાં વર્તમાન સરકાર સામે મનોમન રોષ પ્રગટી રહ્યો છે.

કાલે સાંજે મોરબી રઘુવંશી સમાજનો મોટો કાફલો જીતુભાઈ સોમાણીની મુલાકાતે વાંકાનેર દોડી આવેલ અને આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરેલ વાંકાનેર ભાજપના અડીખમ નેતા એવા જીતુભાઈ સોમાણીના આ આંદોલનને પગલે સ્થાનિક ભાજપના અગ્રણીઓમાં ચિંતા સાથે ઉપવાસ છાવણીમાં સતત હાજર રહેતા અગ્રણીઓમાં પણ પોલીસ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોમાણી પરિવારના સદસ્યો પણ હવે અન્નસપ ઉપવાસમાં ઉતરવાની તૈયારી કરી ચુકયા છે.

સાથોસાથ શહેરના મહિલા અગ્રણીઓ અને સોસાયટીઓ ફલ્ટેના રહીશો પણ મોટી સંખ્યામાં ઉપવાસ છાવણીએ જીતુભાઇને મળી રહ્યા છે અને તેમનું સમર્થન આપી રહ્યા છે. ત્યારે આ આંદોલનનો અંત ઝડપથી નહીં આવે તો વાંકોનરમાં રેલીઓ બંધ સહિતના કાર્યક્રમો ગમે ત્યારે આવે તેવી તૈયારીનો વર્તારો જોવા મળી રહ્યો છે.

જીતુભાઇના ચાહક વર્ગમાં ઉચ્ચ અધિકારીની ઢીલીનીતિ સામે પણ રોષ જોવા મળી રહ્યા છે. જે ભાજપને આવનારા દિવસોમાં હાનીકર્તા બની શકે તો નવાઇ નહીં.

(4:15 pm IST)