Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૂનાગઢમાં રાત્રે બે જુથ વચ્ચે ઘર્ષણઃ અંધાધૂંધ ફાયરીંગઃ ૪ ગંભીર

વડાલ પાસેના અકસ્માતના મનદુઃખથી મુસ્લિમો વચ્ચે બઘડાટીઃ એસ.પી. સૌરભસિંઘે સમગ્ર વિસ્તારને જાતે સ્કેન કર્યોઃ ૧૪ શકમંદોની અટકાયતઃ ૧૧ ફુટેલા અને ૮ જીવતા કારતુસ મળ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩ :. જૂનાગઢના બ્લોચવાડા વિસ્તારમાં રાત્રે મુસ્લિમોના બે જુથ જૂના મનદુઃખથી સામસામે આવી ગયા હતા. જેમા અંધાધુંધ ફાયરીંગ થતા ૪ વ્યકિતને ગંભીર ઈજા થતા રાજકોટ સીફર કરાયા હતા.

આ બનાવના પગલે એસપી સૌરભસિંઘે જાતે દોડી જઈને સમગ્ર વિસ્તારને સ્કેન કર્યો હતો. ઘટનામાં પોલીસને સ્થળ પરથી ૧૧ ફુટેલા અને ૮ જીવતા કારતુસ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

સમગ્ર જૂનાગઢ શહેરમા રાત્રે સનસનાટી મચાવનાર આ બનાવની વિગતો એવી છે કે, રવિવારની રાત્રે જૂનાગઢના વડાલ ગામ પાસે ઈનોવા કાર ઝાડ સાથે અથડાતા બે મુસ્લિમ વ્યકિતને ઈજા થઈ હતી અને પૂર્વ કોર્પોરેટર વહાલ કુરેશી સહિત ત્રણને ઈજા પહોંચી હતી.

આ અકસ્માતના મનદુઃખમાં ગત રાત્રે ૧૧ના અરસામાં જૂનાગઢના બ્લોચવાડા વિસ્તારમાં ઝાલોરાયા રોડ પર મુસ્લિમોના બે જુથ સામસામે આવી ગયા હતા.

જેમાં સોહિલ બોદુભાઈ ઠેબાના જુથ ઉપર દાદુ દરબારના જુથે પિસ્તોલ અને તમંચા જેવા અગ્નિશસ્ત્રથી આડેધડ ફાયરીંગ કર્યુ હતું.

ગોળીબાર થતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

ફાયરીંગનાં કારણે દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ બલોચવાડા વિસ્તારની દુકાનોના શટર અને બોર્ડમાં ગોળીબારથી કાણા પડી ગયા હતા.

ગોળીબારનાં બનાવમાં રફીક મહમદ (ઉ.વ. રપ), સોએબ અયુબ (ઉ.વ. ર૩), મોહસીન અયુબ મિંયાણા (ઉ.વ.રપ) અને સોહિલ બોદુ ઠેબા (ઉ.વ.ર૩) ને ગંભીર ઇજા થતા તમામને વિશેષ સારવાર માટે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની જાણ થતાં એસ.પી. સૌરભસિંઘ, ડીવાયએસપી રાણા, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર. કે. ગોહિલ, એ ડીવીઝનના પો. ઇન્સ. શ્રી વાળા વગેરે વિશાળ પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા.

આ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે જાતે સમગ્ર વિસ્તાર સ્કેન કર્યો હતો અને સ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

આ ઘટનામાં ર૦ થી વધુ રાઉન્ડ ગોળીબાર થયો હોવાની અને સ્થળ પરથી ૧૧ ફુટેલા અને ૮ જીવતા કારતુસ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

એસ.પી. સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલો કે, હાલના તબકકે સ્થળ પરથી કારતુસનાં છ ખોખા મળી આવ્યા છે. ઘટના સંદર્ભે ઘરમાં સંતાયેલા ૧૪ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘે વધુમાં જણાવેલ કે, સવારથી એફએસએલની મદદ લઇ કેટલા રાઉન્ડ ગોળીબાર થયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અને એક જુથની ફરીયાદ મળતા તપાસ આગળ વધારવામાં આવી છે. હાલ બ્લોચવાડા વિસ્તારમાં એકંદરે શાંતિ પ્રવર્તે છે.(૨-૭)

(12:40 pm IST)