Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કાલે જૂનાગઢમાં પૂ. ગોપાલાનંદજી બાપુની દાદાગુરૂની સમાધી પાસે અંતિમ વિધી

બિલનાથ મહાદેવ મંદિરે અંતિમ દર્શનાર્થેઃ સંતો-મહંતો, ભાવિકો દર્શનાર્થે ઉમટયા

જુનાગઢ બિલનાથ મંદિરે પૂ. ગોપાલાનંદ બાપુના પાર્થિવદેહને દર્શનાર્થે : જુનાગઢ : સાધુ સમાજના તપસ્વી સંત પૂ. ગોપાલાનંદજી બાપુનો ગઇકાલે ૧૧પ વર્ષની વયે દેહવિલય થતા સાધુ સંતો અને ભાવિકોમાં શોકમય બની ગયા છે.  આવતીકાલે પુ.બાપુના પાર્થિવદેહનો જુનાગઢ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અગ્નિ સંસ્કાર વિધી કરવામાં આવનાર છે. તે પૂર્વે આજે સવારે બિલખાથી પુ. બાપુની પાલખી યાત્રા સાથે તેમના પાર્થિવદેહને બિલનાથ મંદિર ખાતે આજ સવારે ૧૧ કલાક થી ગુરૂવારે સવારે ૬ કલાક સુધી ભાવિકોનો દર્શનાર્થે મુકવામાં આવેલ છે. ઉપરોકત તસ્વીરમાં પુ. બાપુના પાર્થિક દેહના દર્શન કરતા ભાવિકજનો તેમજ પુ. મુકતાનંદબાપુ સહિત અખાડાના વરિષ્ઠ સંતો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૩: આવતી કાલે ગિરનાર તિર્થક્ષેત્રમાં બ્રહ્મલીન ગોપાલાનંદજી બાપુના પાર્થિવ દેહનાં દાદાગુરૂની સમાધિ પાસે અંતિમ સંસ્કાર થશે. જે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

અખિલ ભારતીય સાધુ સમાજના પ્રદેશ અધ્યક્ષ અને અગ્નિ અખાડાના પુર્વ સભાપતિ પૂ.શ્રી ગોપાલાનંદજી ગુરૂશ્રી બ્રહ્માનંદજીએ ગઇકાલે તેમના બિલખા સ્થિત રાવતેશ્વર ધર્માલય ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉત્તર પ્રદેશમાં જન્મેલા શ્રી ગોપાલાનંદજી છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. તેઓ બ્રહ્મલીન થયા હોવાનાં સમાચાર મળતાં મુકતાનંદબાપુ, તનસુખગીરીબાપુ મહા મંડલેશ્વર ભારતીબાપુ, હરીગીરીજી, પુનિતાચાર્યજી, શૈલજાદેવીજી, ગોવિંદાચાર્યજી, અભ્યુદાનંદજી, શેરનાથબાપુ, મેધાનંદજી, રામાનંદજી સહિતના સંતો-મહંતો વગેરે રાવતેશ્વર ધર્માલય ખાતે દોડી ગયા હતા અને શ્રધ્ધાંજલી અર્પી હતી.

વિશાળ સેવક સમુદયા ધરાવતા અને ૧૧૭ વર્ષની વયે બ્રહ્મલીન થયેલા ગોપાલાનંદજીની પાલખી યાત્રા બિલખામાં યોજાઇ હતી અને અંતિમ દર્શન માટે તેઓનો પાર્થિવ દેહ રાવતેશ્વર ધર્માલય ખાતે રાખવામાં આવ્યો હતો.

રાત્રે પ્રખર રામાયણી રી મોરારીબાપુ તેમજ તેમનાં વરિષ્ઠ સેવક જેન્તીભાઇ ચાંદ્રા વગેરેએ પણ રાત્રે બિલખા પહોંચીને પૂ. બાપુના પાર્થિવદેહને નમન કરીને અંતિમ દર્શન કર્યા હતાં.

પૂ.બાપુનાં અંતિમ દર્શનનો મુસ્લિમના આગેવાનોએ પણ લાભ લીધો હતો. તેમજ હરિદ્વાર, ઉજજૈન સહિત દેશભરના વિવિધ અખાડાના સંતો ઉપરાંત વિદેશથી પણ સંતો દર્શનાર્થે પહોંચ્યા હતા.

માત્ર ધાર્મિક જ નહીં રાજકીય દિગ્ગજોમાં સન્માનીય રહેલા ગોપાલાનંદજીને ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ફારસી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષા આવડતી હતી.

એવા દાનમાં સતત આગળ રહેલા પૂ. બાપુનો ૧૫ દિવસ કાયાકલ્પ થઇ ગયો હતો નવી ચામડી આવવાની સાથે બે નવા દાંત પણ આવેલ.

આજે સવારે બિલખામાં ગોપાલાનંદજીની પાલખી યાત્રા યોજાયા બાદ જૂનાગઢમાં વંથલી રોડ સ્થિત બીલનાથ મહાદેવ મંદિરે પાલખીયાત્રા પહોંચી હતી અને અહિં તેમના અંતિમદર્શન માટે સંતો વગેરે ઉમટી પડયા હતા.

આવતીકાલ ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યે બિલનાથ મંદિરથી ગોપાલાનંદજીની અંતિમયાત્રા નીકળશે. જે જૂનાગઢના કાળવા ચોક ખાતેના ગોઇ અખાડા, જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર થઇ ભવનાથ ગિરનાર સીડી સુધી જશે.

બાદમાં ગિરનાર તિર્થક્ષેત્રમાં બ્રહ્મેશ્વર મહાદેવનાં મંદિરના સાનિધ્યમાં આવતીકાલે બપોરે ૧૧:૩૦ કલાકે તેમના દાદાગુરૂ બ્રહ્માનંદજીની સમાધિ પાસે જ ગોપાલાનંદજી ના અગ્નિ સંસ્કાર થશે.

(4:04 pm IST)