Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૂનાગઢમાં વિશ્વ વડીલ દિનની ઉજવણી : પોલીસ બેન્ડ સાથે રેલી નીકળી

જૂનાગઢ તા.૩ : પ્રથમ ઓકટોબરના દિવસે સિનિયર સીટીઝન્સ મંડળ, જૂનાગઢ તથા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંયુકત ઉપક્રમે વડીલ દિવસની ઉજવણી અપના ઘર વડીલોની સાથે રહીને કરવામાં આવી. બધા સાથે મળી ૨૫૦ સિનીયર સીટીઝન્સ હાજરીમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓ સાથે રંગબેરંગી ધ્વજોની હારમાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનું અપના ઘરથી પ્રસ્થાન કરી વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે સમાપન કરેલ.

રેલીની આગેવાની જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનના મેયર માન. આદ્યશકિતબેનના હસ્તે બહેનોને સાથે રાખી હાથમાં ફલેગ ઉચકી રેલીની આગેવાની કરી હતી. આજના દિવસે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ કિકાણીએ સાથે રહી અપના ઘરમાં રહેતા તમામ વડીલો સાથે રાખીને આ આંતર રાષ્ટ્રીય સિનિયર સીટીઝન્સ ડે ની ઉજવણી કરતા આનંદ અનુભવ્યો. આજના દિવસે વડીલો માટે રમતોનું પણ આયોજન કરવામાં આવેલ હતુ અને તેમા વડીલોને સાથે રાખી સંગીત ખુરશી અને બેલેન્સ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

સિનિયર સીટીઝન્સ મંડળના પ્રમુખ જે.બી.માંકડ તથા ઉપપ્રમુખ આઇ.યુ.સીડા સાહેબ, મંત્રીશ્રી જે.એમ.ઝાલાવાડીયા, તમામ ટ્રસ્ટી પરિવાર સભ્ય ભાઇ બહેનો હાજર રહેલ હતા.

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રોજેકટ : સ્પર્ધાઓ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ પ્રોજેકટ કાર્યરત કરવામાં આવેલ છે. જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત નેટવર્ક હેઠળ સમગ્ર ભારતમાં છેલ્લા ૨૩ વર્ષથી આ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ પ્રોજેકટ અમલમાં આવેલ છે.

આ પ્રોજેકટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની થીમ સ્વચ્છ હરિયાળુ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનીકરણ જેમની ઉપર આ બાળ વિજ્ઞાન પરિષદનું જિલ્લા કક્ષાનુ આયોજન કરવામાં આવેલ છે. સાથે નેશનલ સાયન્સ ડ્રામાનું આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તા.૮ના સવારે ૯ વાગ્યે જૂની અક્ષરધામ વાડી,  હાટકેશ હોસ્પિટલની બાજુમાં ભૂતનાથ જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જે શાળાઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેઓએ આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે જે શાળાઓનુ રજીસ્ટ્રેશન બાકી હોય તેમણે લોકવિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

નવરાત્રી એકઝીબીશન

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ જૂનાગઢ દ્વારા બહેનો માટે નવરાત્રી મહોત્સવ ૨૦૧૮ની તૈયારીના ભાગરૂપે બહેનોને નવરાત્રી પોશાકમાં વપરાતા ચણિયાચોલી અને નવરાત્રીને અનુરૂપ વસ્તુઓની સહેલાઇથી ખરીદી કરી શકે તેવા હેતુસર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા આગામી તા.૪ના રોજ ગિરનારા બ્રહ્મપુરી, પંચહાટડી ચોક જૂનાગઢ ખાતે એક એકઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.

આ એકઝીબીશનમાં સંગઠન મહિલા પાંખના ગીતાબેન જોશીના નેતૃત્વ હેઠળ  નયનાબેન રાવલ, રેખાબેન રાવલ, આરતીબેન ભટ્ટ, પુર્ણીમાબેન રાવલ, ડીમ્પલબેન વ્યાસ, રીંકલબેન મહેતા, ચંદ્રીકાબેન મહેતા તથા મયુરીબેન પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ એકઝીબીશનમાં કોઇપણ વ્યકિતએ ટ્રેડીશ્નલ ડ્રેસ ચણિયાચોલી, આભૂષણો વેચવા માટેના સ્ટોલ રાખવા ઇચ્છતા હોય તેઓએ નંબર ઉપર તુરંત સંપર્ક કરવો. આ એકઝીબીશન તમામ જ્ઞાતિ માટે છે. જાહેર જનતાએ લાભ લેવો તથા વધુ વિગતો માટે ગાયત્રીબેન જોશી મો. ૯૯૦૯૩ ૮૬૫૫૬, પૂજાબેન પંડયા મો. ૭૬૦૦૩ ૫૫૧૦૯, નિલમબેન ઠાકર મો. ૯૪૦૮૭ ૫૩૨૦૦ તથા રાજેશ્વરીબેન જોશી મો. ૯૭૨૬૦ ૧૦૭૧૧ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

અલ્પ વરસાદમાં પશુધન બચાવવા રજૂઆત

રાજયમાં કચ્છ વગેરે જેવા વિસ્તારમાં વરસાદ જ નથી થયો ત્યાં ૧૦૦% અછત જાહેર કરવા અને જૂનાગઢ સહિત અન્ય જિલ્લામાં ચોમાસાનો સરેરાશ વરસાદ માત્ર ૨૫% જેટલો જ મળેલ છે. ત્યાં અર્ધ અછત દુષ્કાળ જાહેર કરવા પશુધન બચાવવા તેમજ મનુષ્યને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ઘાસચારો પાણી અને ગરીબોના આર્થિક ભરણપોષણ માટે રાહતકામ શરૂ કરવા ફાર્મર સેલના પ્રમુખ હર્ષદભાઇ રીબડીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

સિંધી સમાજ દ્વારા વરસી ઉત્સવ

સર્વ સિંધી સમાજ દ્વારા પૂ.સંત સાઇ વાસુરામજીનો વરસી ઉત્સવનું તા.પને શુક્રવારના રોજ સંધાડીયા બજાર આવેલ ગુરૂનાનક મંદિરે આયોજન કરાયુ છે.

સવારે ૮ થી ૯ આશાદીવાર સાહેબ ત્યાર પછી પ્રસાદી આપવામાં આવશે. સાંજે ૬  થી ૭ શ્રી સુખમની સાહેબનો પાઠ સાહેબ થશે. સાંજના ૭ થી ૯ વંથલી વાળા ભગત પીંટુ મ્યુઝીકલ વાળાનો પ્રોગ્રામ થશે. શ્રી ગુરૂગ્રંથ સાહેબનો ભોગ સાહેબ તથા આરતી થશે ત્યાર પછી પ્રસાદી તથા સર્વ સાદસંગત માટે આમ ભંડાળાનો આયોજન કરેલ છે. આ વરસી ઉત્સવમાં સત્સંગ તથા કિર્તનનો લાભ લેવા મંદિરના મહંત શ્રી ગુરૂમુખદાસ વાસવાણીની યાદીમાં જણાવેલ છે.

અસ્મિતા ગૃપ દ્વારા વેલકમ નવરાત્રી

જૂનાગઢ : અસ્મિતા ગૃપ દ્વારા તા.૬ના રોજ ગીતાબેન કોટેચાના નિવાસ સ્થાને વેલકમ નવરાત્રીની રાસોત્સવ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જૂનિયર અને સિનિયર બંને ગૃપમાં પ્રથમ ૩ વિજેતાઓને ઇનામ અપાશે. આ પ્રસંગે અસ્મિતા ગૃપના મેમ્બરમાંથી દર વર્ષની જેમ અસ્મિતા નારી રત્ન સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર જયશ્રીબેન વેકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ ચુંટાવા બદલ રૂપલબેન લખલાણી અને અસ્મિતામાં આર્થિક યોગદાન આપનાર અલ્કાબેન રોહનભાઇ વૈદ્યનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ચાંદનીબેન કોટેચા, અલ્પાબેન ઉનડકટ, હીના ભૈરવાની, મનિષા ગોધવાણી, રૂબીના વિરાણી વગેરે તેમજ સંસ્થાના સ્થાપક અંજલીબેન સાવલીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.(૪૫.૫)

(12:11 pm IST)