Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં

ઘટતા ડોકટરો-સ્ટાફની જગ્યા ભરવા તથા ૧૦૮ની સેવા વધારવા રજુઆત

ભાણવડ તા.૩: ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની તેમજ સ્ટાફની ઘટ અંગેની લાંબા સમયથી માંગણી પડતર છે ત્યારે ફરી એકવખત આ અંગે રજુઆત કરવામાં આવી છે સાથે-સાથે તાલુકાના ૫૪ ગામો અને ર૬ જેટલા નેસ વિસ્તાર વચ્ચે હાલ એક જ ૧૦૮ની વ્યવસ્થા છે જેને વધારવા પણ માંગ કરવામાં આવી છે.

આર.ટી.આઇ. એન્ડ ગ્રીન એકટીવિટીઝ ગૃપ તરફથી આરોગ્ય વિભાગને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, ભાણવડમાં ૫૪ થી વધુ ગામડાઓ તથા ૨૬ જેટલા નેસ વિસ્તાર આવેલા છે. જેની સામે હાલ એક જ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા મળી રહી છે તે પર્યાપ્ત નથી. એક જ૧૦૮ને કારણે ઘણી વખત એક સાથે એક કરતા વધુ દુર્ઘટના કે આકિસ્મક ઘટના ઘટે ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે. માટે ભાણવડને ૧૦૮ની વધુ એક એમ્બ્યુલન્સ ફાળવવા માંગણી કરી છે.

આ ઉપરાંત ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ઘટની સંખ્યા લાંબા સમયથી છે જે અંગે વિવિધ સંસ્થાઓ, આગેવાનો તેમજ શહેરીજનોએ થોકબંધ રજુઆતો કરેલી છે.

આરોગ્ય કેન્દ્રમાં કેટલાય સાધનો ધુળ ખાઇ રહયા છે તો કેટાલક જરૂરીયાતના સાધનોની સુવિધા જ નથી. ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ ડોકટરોની જરૂરીયાત વચ્ચે એક જ ડોકટરથી ચલાવવામાં આવે છે અને સમસ્યા લાંબા ગાળાથી જેમની તેમ છે. આ ઉપરાંત સ્ટાફની ઘટ, વિવિધ મશીનોની ઘટની સાથે સાથે અવાર-નવાર ખુટી જતાં દવાઓના સ્ટોકને કારણે ગરીબ દર્દીઓને બહારના મેડીકલોમાંથી દવાઓ ખરીદવાની ફરજ પડે છે. ઉપરોકત બંને પ્રશ્નો અંગે ઘટતું કરવા રજુઆત કરી છે.(૧.૩)

(12:10 pm IST)