Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સિંહોને અપાયેલ તૈયાર 'ભાણુ' રોગ માટે કારણભૂત?

જંગલના રાજાને 'શિકાર' ઉપલબ્ધ કરાવવાના બદલે 'મારણ' સુપ્રત કરવાની કામગીરી જોખમી બનીઃ દલખાણીયા રેન્જમાં સિંહોને ટકાવી રાખવા કરાયેલ 'ગતકડા' કરી 'રાજા'ને 'ભિખારી' બનાવી દેવાયા હતા?

રાજકોટ તા. ૩ : જંગલના રાજા સિંહો ઉપર આવી પહેલ આફત માનવસર્જિત હોવાના તરફ ચર્ચાએ જોર પકડયું છે. સૌથી વધુ અસર ધારીના દલખાણીયા રેન્જમાં જ જોવા મળતા તજજ્ઞો દ્વારા ફેલાયેલ રોગ કે વાયરસનો તોડ કાઢવા નજર દોડાવી છે ત્યારે વટભેર શિકાર કરીને મોજથી પેટ ભરતા સિંહોને કૂતરા જેવા બનાવી નાખવામાં આવ્યા હતા તેવી ચર્ચા અને અનુમાને પણ જોર પકડયું છે. ૨૩ સિંહ અને સિંહણના મોત થયા છે હજુ પાંચેક પર મોત ઝળુંબી રહ્યું છે ત્યારે ધારીની દલખાણીયા રેન્જમાં સિંહોને તૈયાર મારણ અપાતું હોવાની વાતથી વાસી ખોરાકથી વાયરસ ફેલાવાની ચર્ચા છે.

ગિર અભયારણ્યમાં સિંહોના મોતની સ્તબ્ધ કરી દેનારી ઘટના અંગે જંગલખાતુ કોઇ ચોક્કસ તારણ પર આવ્યું નથી. ગણતરીના દિવસોમાં ૧૬ જેટલા સિંહના મોત થઇ ચૂકયા છે. જ્યારે ૨૬થી વધુ સિંહોને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. કહેવાતા વાયરસની અસર ફકત ધારીની દલખાણીયા રેન્જ વિસ્તારમાં જ શા માટે? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરાયો ત્યારે બહાર આવેલા કારણો ખૂબ જ ચોંકાવનારા છે. અહીં લાંબો સમય ફરજ બજાવી ગયેલા વનખાતાના જ એક અધિકારીએ હકીકત આપતા જણાવ્યું છે કે, સિંહોને 'કૂતરા' જેવા બનાવી દેવાનું કારસ્તાન છેલ્લા એક દસકાથી ચાલી રહ્યું છે. સિંહોના ગ્રુપને આ વિસ્તારમાં ટકાવી રાખવા માટે બહારથી મારણ લાવીને આપવાની પ્રથા આખરે ઘાતક નિવડી છે.

સિંહોના મોતનું પોસ્ટમોર્ટમ કરતા પહેલા તેના બેકગ્રાઉન્ડ પર નજર કરીએ તો ધારીની દલખાણીયા રેન્જમાં એક સમયે ૩૫ જેટલા સિંહોનું ગ્રુપ રહેતું હતું. આ સિંહો કુદરતી રીતે વિચરણ કરીને અહીંથી બહાર ન જાય તે માટે એકાદ દસકાથી ખુદ વનવિભાગનો સ્ટાફ જ તેને બહારથી તૈયાર મારણ લાવીને આપે છે. સિંહોને અહીં જકડી રાખવા માટેના ઘણા કારણો હોઇ શકે છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શોના આક્ષેપો ભૂતકાળમાં થઇ ચૂકયા છે. મોટા સરકારી અધિકારીઓ, નેતાઓથી માંડીને આગેવાનો તથા પૈસાની લાલચમાં પ્રવાસીઓને આ સિંહ બતાવીને પોતાની દુકાન ચલાવવા માટે આ ગ્રુપ અહીંથી બીજે કયાંય ન જાય તેવો દુરાગ્રહ રાખવામાં આવતો હતો.

કેટલાક સમજુ અધિકારીઓએ વારંવાર બહારથી મારણ લાવીને સિંહોને આપવાની પ્રથા બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ તેની વાત કાને ધરવામાં આવી નહોતી. આજે એક સાથે ૧૬ જેટલા સિંહોના મોત બાદ બધાને હવે તેની ગંભીરતા સમજાઇ છે. વેટરનરી તબીબી ક્ષેત્રના જાણકારો કહે છે કે, બહારથી મારણ તરીકે લાવવામાં આવતા પાલતું પશુઓમાં રહેલો કોઇ વાયરસ સિંહોમાં આવતા ટપોટપ મોત થઇ રહ્યા હોવાની પ્રબળ શકયતા છે. કારણ કે સિંહો તો દલખાણીયા સિવાય આખા ગિર અને ભાવનગર તથા જુનાગઢ સુધી જોવા મળે છે તો બીજે કયાંય વાયરસની અસર કેમ નથી થઇ?

વળી ઘણી વખત રખડતા ઢોર એવા અસુરક્ષિત જીવતા પશુઓ પણ લાવવામાં આવતા હતા. કોઇ બહુ મોટા નેતા કે અધિકારી આવ્યા હોય ત્યારે આવી વ્યવસ્થા ચોક્કસ ગોઠવાતી હતી. અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વીડિયો કલીપો તેના પુરાવા છે.

ટુંક સમયમાં ૧૬ મોતના શંકાસ્પદ મોત થયા છતાં ખાતાકીય રાહે ફકત કાગળ ઉપર ચિતરામણ કરવા સિવાય કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી! વિદેશમાં કયાંય આવી ઘટના બની હોય તો મંત્રીઓએ રાજીનામા આપી દીધા હોવાના દાખલા બન્યા છે. પરંતુ અહીં તો કોઇ દોષિતની સામે આંગળી ચિંધવાની હિંમત પણ દાખવવામાં આવી નથી. આ બાબત  જ જંગલ ખાતાની કામગીરીની સાબિતિ આપે છે.(૨૧.૧૧)

સંવર્ધનની પદ્ધતિ હવે બદલવાની જરૂર છે

 ફકત ૯માંથી વધીને આજે એશિયાઇ સિંહોની વસતી રેકર્ડ પર ૫૨૩ અને ઓફ ધ રેકર્ડ ૭૫૦ થી વધુ થઇ ગઇ છે. ત્યારે હવે સિંહોના સંવર્ધનની પદ્ધતિ પણ બદલવાની જરૂર હોવાનું તજજ્ઞો માની રહયા છે. અગાઉના સમયમાં સિંહોને ટકાવી રાખવી એ મહત્વની બાબત હતી. હવે સિંહો ટકી ગયા છે અને પોતાની રીતે જ પોતાની વિસ્તાર વધારી રહયા છે. ત્યારે જંગલખાતાએ સંરક્ષણની જૂનવાણી પદ્ધતિ બદલીને હવે વિસ્તરતા સિંહોને રક્ષણ આપવાની ભૂમિકા અદા કરવાની છે.

* જંગલની બોર્ડર વિસ્તારમાં રખડતા ઢોરનું નિયમિત રસીકરણ કરવું

* પાલતુ પશુઓના આરોગ્યની સમયાંતરે સધન ચકાસણી કરાવવી.

* રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટેની વ્યવસ્થા કરવી.

* સિંહોના વિચરણવાળા વિસ્તારમાં અનુભવી સ્ટાફને ફરજ સોંપવીે

* બહારના વિસ્તારમાં સિંહોને પીવાના પાણીની પુરતી વ્યવસ્થા રાખવી.

* સ્ટાફને સિંહ સંરક્ષણ અંગેની વૈજ્ઞાનિક ઢબની વિશેષ તાલિમ આપવી.

* સિંહના રહેઠાણ વિસ્તારમાં આરોગ્ય અને સ્વચ્છતાની તપાસ કરવી.

(11:52 am IST)