Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

શાબ્બાશ ભાવનગર પોલીસ ! શરૂઆત ઘરઆંગણેથી જ, ૩૦૦ પોલીસને દંડ ફટકાર્યો

ભાવનગર, તા. ૩ :. ભાવનગર ટ્રાફીક પોલીસે કાયદાનું પાલન કરવા માટે ઝુંબેશ શરૂ કરતા અનેકવિધ પગલાઓ ભરીને સુંદર કામગીરી હાથ ધરી છે અને ટ્રાફીકના નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આવશ્યક પગલાઓ ભરવાનું શરૂ કરેલ છે. ટ્રાફીક પોલીસે કાયદાનું નિયમન કરવા માટે પોતાના ઘરેથી એટલે કે, જે પોલીસના જવાનો ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહનો ચલાવે છે તેની સામે ટ્રાફીક પોલીસે પગલા ભરીને ૩૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ પાસેથી દંડની રકમની વસુલાત કરેલ છે. જે પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વગર વાહનો ચલાવે છે. તેમજ મોટરકારની અંદર સીટબેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવે છે તેમજ ચાલુ વાહન ઉપર મોબાઈલ ફોન ઉપર વાત કરતા હોય છે તેવા તમામ પોલીસ જવાનોને અલગ અલગ સ્થળ ઉપરથી ડિટેઈન કરીને તેમની પાસેથી રૂ. ૫૦૦થી વધુ રકમનો દંડ વસુલ કરીને ટ્રાફીક પોલીસે કાયદાના નિયમન માટે પોતાના ઘરેથી જ શરૂઆત કરી છે.

આ ઉપરાંત ભાવનગર શહેરના રાજમાર્ગો પર રઝળતી ગાય અને ખુંટીયાના નિરાકરણ અર્થે આગામી ટૂંક સમયમાં ટ્રાફીક પોલીસ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ પગલા ભરશે તેમ ટ્રાફીક વિભાગના પીઆઈ વારોતરીયાએ જણાવ્યુ હતુ. અગાઉ ભાવનગર ટ્રાફીક માત્ર એક પીએસઆઈથી આખુ તંત્ર ચાલતુ હતુ ત્યારે હવે ટ્રાફીક પોલીસમાં બે પીઆઈ અને ચાર પીએસઆઈને મુકવામાં આવેલ છે અને ટ્રાફીક વિભાગમાં પુરતો સ્ટાફ હોવાને કારણે આ વિભાગ અસરકારક કામગીરી હાથ ધરી રહ્યો છે. આ અંગે ટ્રાફીક પોલીસ વિભાગના પીઆઈ વારોતરીયાએ વધુમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષથી નિચેના સગીરવયના બાળકો જો વાહન લઈને શહેરના માર્ગો પરથી પસાર થશે તો આ સગીર વયના બાળકોના વાલીઓ સામે પોલીસ ગુનો દાખલ કરશે અને ભાવનગરની શાળા-કોલેજના તમામ સંચાલકોને ટ્રાફીક પોલીસે પરિપત્ર પાઠવ્યો છે કે શાળાની અંદર સગીરવયના બાળકોને વાહનો સાથે પ્રવેશ ન આપવો. આની અસર હવે દેખાવા લાગી છે અને સગીરવયના બાળકોને તેમના વાલીઓ વાહન ન આપે જેથી તેમની સામે દાખલ થતા ગુનાઓ અટકી શકે.

આગામી ટૂંક સમયમાં ભાવનગર ટ્રાફીક પોલીસ ટ્રાફીકની જનજાગૃતિ માટે અનેક પ્રકારના પગલા ભરનાર છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ટ્રાફીક પોલીસે અલગ અલગ સ્થળ ઉપરથી રૂ. ૫ લાખના દંડની વસુલાત કરીને સુંદર પ્રકારની કામગીરી હાથ ધરી છે.

 

(11:50 am IST)