Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલ વચનામૃતો તો શિરમોડ અને સર્વશાસ્ત્રોનો સાર છે. શા.માધવપ્રિયદાસજી સ્વામી

SGVP રીબડા ગુરુકુલ ખાતે યોજાયેલ વચનામૃત સત્રની પૂર્ણાહૂતિ આગામી ડિસેમ્બર ૫ થી ૯ દરમ્યાન રીબડા ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

રાજકોટ તા.૨૩ આગામી નવેમ્બર માસમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ..ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં વડતાલ ખાતે  ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત વચનામૃત ગ્રન્થની  દ્વિશતાબ્દીની ઉજવણીની તડામાર તૈયારી થઇ રહી છે ત્યારે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ રીબડા ખાતે, શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની સાનિધ્યમાં અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને શા.ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે પંચ દિનાત્મક અનુષ્ઠાન સાથે વચનામૃત સત્ર યોજાયું હતું.

જેમાં વચનામૃતને આધારે દરરોજ બપોર પછી વચનામૃત ગોષ્ઠી, મુખપાઠ, પ્રશ્નોત્તરી, વગેરે શામજી ભગતના માર્ગદર્શન નીચે રાખવામાં આવેલ. આ ઉપરાંત દરરોજ વચનામૃત આધારે મહાવિષ્ણુયાગનુ પણ આયોજન કરવામાં આવેલ,

 પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ હાજર રહી વચનામૃત સત્રની અને મહાવિષ્ણુયાગની પૂ્ર્ણાહૂતિ પ્રસંગે વિશાલ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બધાજ સાહિત્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતો તો શિરમોડ છે.

        વચનામૃતોમાં વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત ગીતા તથા શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સમજાવ્યું છે.

ગીતાજીના આધારે ભગવાન કહે છે કે, હે પાર્થ, જીવ જેવા ભાવથી મારા શરણે આવે છે. એવા જ ભાવથી હું એેને પ્રાપ્ત થાઉં છું. એ જે દેવનું ભજન કરે છે એ દેવમાં રહીને એ દેવતા દ્વારા હું એના મનોરથ પુરા કરું છું.

     વિશ્વના ધર્મોમાં અનેક જાતના દેવતાઓની અનેક પ્રકારે ઉપાસના પદ્ધત્તિઓ વર્તે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અક્ષરાત્ પરતઃ પરઃ, કહેતા માયાના અંધકારથી પર જે અક્ષરબ્રહ્મ, તેનાથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના પ્રવર્તાવી છે.

    ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં જણાવે છે કે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સર્વોપરી, સર્વકારણના કારણ, સર્વ ઇશ્વરોના ઇશ્વર, સર્વ અવતારોના અવતારી, સર્વના સ્વામી સદા સાકાર મૂર્તિ જાણવા એ ઉપાસનાનું રહસ્ય છે. પણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના ભગવાન શ્રી સ્વામિનારાયણને પસંદ નથી.

       વચનામૃત સત્ર-અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ પ્રસંગે શ્રીમદ્ ભાગવત અને નિષ્કુળાનદં સ્વામી કૃત યમદંડ આદિ શાસ્ત્રોના આધારે  જમરાજા, ચિત્રગુપ્ત દ્વારા જીવાત્માના પાપ પૂણ્યના ખાતા જોવરાવી, પુણ્યશાળી જીવને સ્વર્ગમાં મોકલે છે, પાપી અને વ્યસની જીવને જમપુરીમાં મોકલી તેના પાપ પ્રમાણે કેવી રીતે દંડ કરે છે તે આબેહૂબ દર્શાવતુ અેકાંકી નાટક મેમનગર ગુરુકુલના ધો.૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થોએ દ્વારા વચનામૃત અંગેનો સંવાદ રજુ કરવામાં આવ્યો હતો. વચનામૃત સત્ર-દરમ્યાન જે જે બહેનો અને ભાઇઓએ વધુ વચનામૃતના પાઠો કરેલ તેઓને પુરસ્કાર રુપે વચનામૃત પુસ્તક ભેટ અર્પણ કરવામાં આવેલ. આગામી ૫ ડીસેમ્બરથી ૯ ડિસેમ્બર દરમ્યાન આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે SGVP રીબડા ગુુરકુલમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

(1:51 pm IST)