Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

તરણેતર મેળામાં રૂષી પંચમી નિમિતે ભાવિકો દ્વારા સ્નાન : કાલે મેળો પૂર્ણ

ઇશ્વરસિંહ પરમાર અને જવાહરભાઇ ચાવડાના હસ્તે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ

વઢવાણ તા. ૩ : સુરેન્દ્રનગર જીલ્લાના જગવિખ્યાત તરણેતર મેળામાં આજે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ નદીમાં આજે રૂષીપંચમી નિમિતે ભાવિકો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું જયા રૂષી પંચમીના દિવસે સ્નાનનો ખૂબજ મહિમા છે.

આજે રાજય મંત્રીશ્રીઓ ઇશ્વરસિંહ પરમાર અને જવાહરભાઇ ચાવડાના હસ્તેદુહા-છંદ પાવા, છત્રી, બળદગાડા, શરણાઇ, રાસમંડળીના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કાલે તરણેતર મેળો પૂર્ણ થશે.

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળામાં ગણેશચતુર્થીના પવિત્ર દિને સવારના ૧૦-રપ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદની વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુના પુત્રી ગાયત્રીબાના હસ્તે ધ્વજાજીનું પુજન-અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રીબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકરી આપી આશિવર્ચન પાઠવ્યા હતા.

ધ્વજારોહણના પ્રસંગે અગ્રણી રામકુભાઇ ખાચરે, પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાંચાળની પવિત્ર ભુમી ઉપર આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોકસંસ્કૃતિને જીવંત રાખી છે. તેમણે મેળામાં પરંપરાગત ડ્રેસ, પાવા, બળદ ગાડા, શરણાઇ, રાસમંડળીઓ વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લઇ મેળાની શાન જાળવી રાખે તેવો અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિજયભાઇ ભગત, પ્રવાસન નિગમના ઇવેન્ટ મેનેજરશ્રી તુષારભાઇ, અગ્રણી સર્વશ્રી ભયલુભાઇ, મેરૂભાઇ ખાચર, સન્નીભાઇ ઝાલા, પ્રદિપભાઇ ખાચર, ભુપતભાઇ ખાચર, પ્રતાપભાઇ કમાભાઇ, સરપંચ વનિતાબન ખીમાણી, હામાભાઇ બલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(1:24 pm IST)