Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઇ મહાનગરપાલિકા મુંબઇના વંચિત વર્ગના લોકોને કોવિડ-૧૯ની ત્રણ લાખ રસી નિઃશુલ્ક પૂરી પાડશે

ધારાવી, વરલી, વડાલા, કોલાબા, કમાઠીપુરા અને ચેમ્બુર સહિતનાં ૫૦ સ્થળોના લોકોને આવરી લેવાશે : રિલાયન્સ ફાઉન્ડેશન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મારફતે રસીકરણ કરાવવા માટે અત્યાધુનિક મોબાઇલ વેહિકલ યુનિટ ઉપયોગમાં લેવાશે : મુંબઈ મહાનગરપાલિકા અને 'બેસ્ટ' માળખાકીય સુવિધા અને લોજિસ્ટિકસની મદદ પૂરી પાડશે

(મુકુંદ બદિયાણી દ્વારા) મુંબઇ તા. ૩ : મુંબઈના વંચેત વર્ગના લોકોને કોરોના વાઇરસ સામે રક્ષણ પૂરૃં પાડવાના ઉદ્દેશ્યથી રિલાયન્સ ફાઉન્ડેશને સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મારફતે મુંબઈ મહાનગરપાલિકા સાથે સહયોગ સાધ્યો છે અને તેના હેઠળ મુંબઈમાં ૫૦ સ્થળોએ કોવિડ-૧૯ની રસીના ત્રણ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આ નિઃશુલ્ક રસીકરણ ઝુંબેશ હેઠળ ધારાવી, વરલી, વડાલા, કોલાબા, પ્રતીક્ષા નગર, કમાઠીપુરા, માનખુર્દ, ચેમ્બુર, ગોવંડી અને ભાંડુપ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે.

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈનાં આ પસંદ કરાયેલાં સ્થળોએ રસીકરણ કરવા માટે અત્યાધુનિક મોબાઇલ વેહિકલ યુનિટ ઉપયોગમાં લેવાની છે. મુંબઈ મહાનગરપાલિકા અને 'બેસ્ટ' માળખાકીય સુવિધા અને લોજિસ્ટિકસની મદદ પૂરી પાડશે.

આ ઝુંબેશ સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા નિયમિતપણે મુંબઈમાં સમુદાયો માટે ચાલતા કાર્યક્રમમાં ઉમેરો કરશે. અત્યાર સુધી સમુદાયોને મોબાઇલ મેડિકલ વેન અને વિવિધ સ્થળોએ ચાલતાં તબીબી એકમો મારફતે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તથા રોગપ્રતિબંધાત્મક ઉપાયો હાથ ધરવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન વંચિત વર્ગના લોકો માટે આગામી થોડા મહિનાઓ માટે સમગ્ર દેશમાં ચલાવવાનું છે એ 'મિશન વેકિસન સુરક્ષા'ના ભાગરૂપે મુંબઈમાં આ રસીકરણ ઝુંબેશ આગામી થોડા મહિનાઓ સુધી ચાલશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યા મુજબ, 'કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી જ રિલાયન્સ ફાઉન્ડેશન તેની સામેની લડતમાં ડગલે ને પગલે રાષ્ટ્રની સાથે રહ્યું છે. આ વાઇરસની સામે લોકોને રક્ષણ પૂરૂ પાડવા માટે જનસામાન્યમાં વ્યાપક ધોરણે રસીકરણ થાય એ જ સારામાં સારો ઉપાય છે. દરેક ભારતીયને શકય તેટલી વધુ ઝડપથી અને સરળતાથી રસી મળે એ માટે તમામ પ્રયાસ કરવા અમે પ્રતિબદ્ઘ છીએ. મને વિશ્વાસ છે કે આપણે આ પડકરારરૂપ સમયને પહોંચી વળીશું અને સારો સમય પાછો આવશે.'

કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી જ રિલાયન્સ ફાઉન્ડેશન તેની સામેની લડતમાં ખભેખભા મિલાવીને કાર્ય કરી રહ્યું છે. ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીની આગેવાની હેઠળ કાર્યરત આ ફાઉન્ડેશને છેલ્લા ૧૬ મહિનાઓમાં સમગ્ર દેશમાં વિવિધ કાર્યો દ્વારા તેમાં સહયોગ આપ્યો છે, જેમાં આરોગ્ય સેવા, મેડિકલ ઓકિસજનનો પુરવઠો, વંચિત વર્ગ માટે નિઃશુલ્ક ભોજન અને માસ્કનું વિતરણ, વગેરે કાર્યો સામેલ છે. અત્યાર સુધીમાં થયેલું કાર્ય આ પ્રમાણે છે. જેમાં એક લાખ દરદીઓને દરરોજ નિઃશુલ્ક મેડિકલ ઓકિસજન પૂરો પાડવામાં આવે છે.  દેશના વિવિધ ભાગોમાં કોવિડના દરદીઓ માટે ૨,૦૦૦ કરતાં વધુ પથારીઓ અને સંલગ્ન સુવિધાઓ પૂડી પડાઈ છે. રોગચાળાથી પીડિત વંચિત વર્ગના લોકો માટે ૭.૫ કરોડ કરતાં વધારે ટંક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. એક કરોડ કરતાં વધારે માસ્કનું વિતરણ કરાયું છે તથા રોગનિવારણ માટેના સંદેશાઓનો પ્રસાર કરવામાં આવ્યો છે.

મિશન વેકિસન સુરક્ષા અભિયાન હેઠળ રિલાયન્સના કર્મચારીઓ, પરિવારજનો અને એમના પર નિર્ભર લોકોને કોવિડ-૧૯ની રસીના ૧૦ લાખ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આજ સુધીમાં રસી મુકાવવાને પાત્ર કર્મચારીઓમાંથી ૯૮ ટકા કરતાં વધારે લોકોને કોવિડ-૧૯ની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. મુંબઈના અને દેશના વંચિત વર્ગના લોકો સુધી આ મિશન પહોંચાડીને રિલાયન્સ ફાઉન્ડેશને દેશ સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટેની પોતાની પ્રતિબદ્ઘતા દર્શાવી છે. રિલાયન્સને  'સૌની કાળજી છે' એ ભાવના એમા પ્રતિબિંબિત થાય છે.

(1:04 pm IST)