Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ધારીના આંબરડી પાર્ક ખાતે ૬૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા રેસ્કયુ સેન્ટરનું ગણપતભાઇ વસાવાના હસ્તે લોકાર્પણ

અમરેલી, તા.૩: ગુજરાત રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ આજે ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે ૬૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ રેકસ્યૂ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.

મંત્રીશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ૬૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ રેસ્કયુ સેન્ટરમાં ૧૨ જેટલા પાંજરાઓ રાખવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ રેસ્કયુ સેન્ટરમાં બીમાર સિંહોને સારવાર આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાથી અન્યત્ર ખસેડવાની જરૂરિયાત રહેશે નહિ. અત્યાર સુધી કોઈ વન્ય પ્રાણીને કોઈ સારવારની જરૂર હોય ત્યારે નજીકના રેસ્કયુ સેન્ટરમાં ખસેડવામાં આવતા હતા જેમાં સમયનો વ્યય થતો હતો જે હવેથી રહેશે નહિ.

આ તકે ધારાસભ્ય  જે. વી. કાકડિયા, પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અગ્ર મુખ્ય વન સંરક્ષક દિનેશકુમાર શર્મા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદાર, મુખ્ય વન સંરક્ષક  દુષ્યંત વસાવડા અને ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. અંશુમન શર્મા, પ્રાંત અધિકારી શ્રી ઝણકાટ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 pm IST)