Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અમરેલી જીલ્લામાં ૩૦ પરિવારોને અશોક ગજેરા દ્વારા રૂ. રપ-રપ હજારની સહાય

જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટીનું સેવાકાર્ય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી ત. ૩ :.. માયાનગરી મુંબઇ સ્થિત જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં રાશનકીટથી માંડીને પીપીઇ કીટસ, વેન્ટિલેટર્સ, ઓકિસજન, આઇસોલેશન સેન્ટર્સ મહારાષ્ટ્ર સરકારને કોરોના સામે લડવા મોટુ આર્થિક યોગદાન એમ વિવિધ સેવાકાર્યો કર્યા છે. ત્યારે પુનઃ ફરી એક વખત ફાઉન્ડેશન હીરા તથા જવેલરી ઉદ્યોગો સાથે સંકળાયેલ કારખાનેદાર, મેનેજર, દલાલ, તથા રત્ન કલાકાર કે જેનું કોરોનાથી મૃત્યુ થયુ હોય તેવા તમામ પરિવારોની વહારે આવ્યું છે ત્યારે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના મેને. ટ્રસ્ટી, લક્ષ્મી ડાયમંડ પ્રા. લિ. મુંબઇના માલિક તથા જિલ્લાના આંતર રાષ્ટ્રીય યુવા ડાયમંડ કિંગ વતન અમરેલી જિલ્લાના નોંધારા બનેલા રત્નકલાકાર પરિવારોની વહારે આવીને રીલીફ ફાઉન્ડેશનના માધ્યમથી અમરેલી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલ કુલ ૩૦ રત્ન કલાકારના પરિવારોને દરેક પરિવારને રૂ. રપ૦૦૦ લેખે જિલ્લામાં કુલ સાડા સાત લાખ રૂપિયાની સહાય કરાવીને નોંધારાના આધાર બન્યા છે.

જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઇના ચેરમેન સંજયભાઇ કોઠારી, મેને. ટ્રસ્ટી શ્રી અશોકભાઇ ગજેરા, જોઇન્ટ મેને. ટ્રસ્ટી અરૂણભાઇ શાહ તથા ટ્રસ્ટી શ્રી રાજેશભાઇ શાહ પર સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રસંશા થઇ રહી છે આ તકે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના મેને. ટ્રસ્ટી શ્રી અશોક ગજેરાએ જણાવ્યું હતું કે મારા વતન અમરેલી જિલ્લામાં રત્ન કલાકારો પર તથા તેમના પરિવારો પર કોરોના મહામારીમાં જે આફત આવી છે તે આફતમાં આધાર બનીને પરિવારમાં કમાનાર રત્નકલાકારની છત્રછાયા ગુમાવનાર પરિવારોને સહકાર આપવો એ અમારી ફરજ છે.

(12:54 pm IST)