Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ટ્રક -ટ્રાન્સપોર્ટ હડતાળથી મોરબીમાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

સીરામીક ટ્રેડર્સના ઓર્ડરો અટવાયા : રો-મટીરીયલ, કોલસો સપ્લાય બંધ થવાની સાથે ફેકટરીઓમાં તૈયાર માલનો ભરાવો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩: ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના આદેશને પગલે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ પધ્ધતિ અમલી બનાવવાની માંગ સાથે આઠ દિવસથી લોડિંગ-અનલોડીંગ બંધ કરી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા સીરામીક હબ મોરબીના વ્યાપાર-ઉદ્યોગમાં માઠી અસર જોવા મળી રહી છે. બીજી તરફ હડતાળ સમાપ્ત કરવાને લઇ વાટાદ્યાટો પણ ચાલી રહી છે.

સીરામીક હબ મોરબી જિલ્લામાં ટ્રક-ટ્રાંન્સપોર્ટ એસોશિએશન દ્વારા ૨૬ જુલાઈથી હડતાળનું એલાન કરી જિસકા માલ ઉસકા હમાલ પદ્ઘતિ અમલી બનાવવા માંગ કરવામાં આવી રહી છે. જેમાં તા.૩૧ જુલાઈ બાદ આ હડતાળને સજ્જડ બનાવી છાને ખૂણે ચાલી રહેલ લોડિંગ અનલોડીંગ પણ સદંતર બંધ કરાવવાની સાથે ટ્રાન્સપોર્ટ એસોશિએશને હાઇવે ઉપર ચેકીંગ શરુ કરતા ટ્રકોના પૈડાં થંભી જવા પામ્યા છે.

વધુમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા છેલ્લા બે દિવસથી રો-મટીરીયલ અને કોલસાનું લોડિંગ પણ ઠપ્પ કરી દેતા મોરબીના સીરામીક ઉદ્યોગને જોરદાર અસર પહોંચી રહી છે. એ જ રીતે તૈયાર માલ પણ લોડ થતો ન હોવાથી સીરામીક ટ્રેડર્સ અકળાયા છે. મોરબીમાં સીરામીક ટ્રેડિંગ કરતા વેપારીઓ જણાવે છે કે, કોરોના મહામારી બાદ હાલમાં માંડ માર્કેટ સેટ થયું છે અને બહારના રાજયોના ઓર્ડર પણ મળી રહ્યા છે તેવા સમયે જ ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાળ શરૂ થતા પાર્ટીઓને સમયસર માલ મોકલવામાં વિલંબ થઇ રહ્યો છે.

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ પણ હડતાળની અસર તળે જે જે ફેકટરીઓમાં ગોડાઉન ભરાયેલા છે ત્યાં પ્રોડકશન ઘટાડો કરવો પડે તેમ હોવાની સાથે આ હડતાળ વધુ સમય ચાલે તો પ્લાન્ટ બંધ કરવા પડે તેમ હોવાનું ઉમેર્યું હતું. દરમિયાન મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર હડતાળ અંગે જણાવ્યું હતું કે, હાલ વાટાદ્યાટ અંગે બેઠકનો દૌર ચાલી રહ્યો છે. એકંદરે ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે સીરામીક હબ મોરબીને હાલ તો આર્થિક અસર પડી હોવાનું ફલિત થઈ રહ્યું છે. સાથો સાથ સહેરના વેપારીઓને પણ આની અસર થવા પામી છે. 

(12:02 pm IST)