Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

'જ્ઞાન શકિત દિવસ'ના અવસરે જામકલ્યાણપુર ખાતે કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા તા. ૨ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. આ અવસરે સમગ્ર રાજયમાં પાંચ વર્ષની કાર્યસિધ્ધિના ભાગરૂપે અનેકવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભાન્વિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આજે આ અવસરના પ્રથમ દિવસ 'જ્ઞાન શકિત દિવસ'ના ઉપલક્ષ્યે જામકલ્યાણપુર ખાતે સરકારી વિનિયન કોલેજમાં અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતના મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરશ્રી એમ.એ. પંડયાએ પોતાના જુના અનુભવો વાગોળતા જણાવ્યું હતુ કે, દેશમાં સમાજમાં જરૂરી સેવાઓ/મદદ, સરકારી યોજનાઓ, ગરીબો માટેની સુવિધાઓ તેમજ કાર્યક્રમોની વિપુલતા તો ઘણી છે. આ યોજનાઓ અને કાર્યક્રમોના લાભ યોગ્ય લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે પ્રશાસનની સાથે શિક્ષણની ઓનલાઈન, વર્ચ્યુઅલ સુવિધાઓ વિકસાવી જેના પગલે કોરોના કાળમાં શિક્ષણ ચાલુ રહી શકયું. પ્રશાસનમાં ટેકનોલોજીના વિનિયોગથી સરકારે છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડવાનું આયોજન કર્યું છે. આજ ટેકનોલોજીના માધ્યમથી યુવાન સમગ્ર વિશ્વ સાથે જોડાઇ શકે સાથે સ્પર્ધા પણ કરશે તેમ જણાવ્યું હતું.    આ પ્રસંગે ઓખા નગરપાલીકાના પ્રમુખશ્રી ચેતનભા માણેક અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ઉચ્ચ શિક્ષણની વિવિધ યોજના- કાર્યક્ર્મ- નમો ઇ ટેબ્લેટ, શોધ પ્રોજેકટ અને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નગાભાઇ ગાધેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રીવાસ્તવ, ડીવાયએસપીશ્રી નિલમ ગોસ્વામી, કલ્યાણપુર માલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી યુવરાજસિંહ વાઢેર, જિલ્લા  ભાજપ મંત્રીશ્રી પરબતભાઇ ભાદરકા, ટપુભાઇ સોનગરા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઇ બેલા, કલ્યાણપુર ગામના સરપંચશ્રી પુજાબેન બેલા, ભાજપ આગેવાનો સર્વેશ્રી જગાભાઇ ચાવડા, પરબતભાઇ વરૂ, કિરણ કાંબરીયા, વિઠલભાઇ સોનગરા, લલિતભાઇ સોનગરા, વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. 

આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી પરેશભાઇ બાણગોરીયાએ મહેમાનોને શબ્દોથી આવકાર્યા હતા તથા આભાર વિધિશ્રી વિજયસિંહ એમ. ઠાકોરે કરી હતી.

(12:00 pm IST)