Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મે રાજીનામુ આપ્યુ જ નથી, અધ્યક્ષની ચૂંટણી ગેરબંધારણીયઃ કુંવરજીભાઈ બાવળીયા

અજીત પટેલના આક્ષેપો પાયાવિહોણાઃ કેબીનેટ મંત્રી તથા અન્ય સંસ્થાઓની કામગીરીમાં સતત વ્યસ્ત હોવાથી અન્ય યુવાનોને નેતૃત્વ આપવા ભલામણ કરી'તી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૩ :. તાજેતરમાં અજમેરમાં મળેલી અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કારોબારીમાં રાજ્યના કેબીનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાની હકાલપટ્ટી કરવામાં આવી તેની સામે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ છે કે અગાઉથી કોઈપણને એજન્ડા આપ્યા વગર ચૂંટણી કરવામાં આવી હોય આ ચૂંટણી જ ગેરબંધારણીય છે અને મને પુરતો સમય ન મળતો હોય મેં જ સામેથી પદ છોડવાનું જણાવ્યું હતુ. આ બનાવે કોળી સમાજમાં અને ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. જો કે નવા અધ્યક્ષ અજીત પટેલ દ્વારા કુંવરજીભાઈ સામે આક્ષેપો કરી જણાવ્યુ છે કે કુંવરજીભાઈએ સમાજનો નહીં પોતાનો વિકાસ કર્યો છે.

આ વિવાદો અંગે કુંવરજીભાઈ બાવળીયાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે મને ૨૦૧૭માં ૧૬ રાજ્યોના પ્રતિનિધિઓની સર્વસંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી હતી. બંધારણની જોગવાઈ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ ૩ વર્ષનો છે. જેની મુદત ૨૦૨૦માં પુરી થતી હતી પરંતુ કોરોનાની પરિસ્થિતિને લીધે ગત ૧૦-૮-૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય કારોબારીની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં ૬૦ સભ્યોમાંથી ૪૭ સભ્યો જોડાયા હતા. જેમાં સર્વ-સંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષનો સમયગાળો એક વર્ષ લંબાવવામાં આવ્યો હતો જે આગામી ૧૦-૮-૨૧ના રોજ પુરો થાય છે.

તાજેતરમાં અજમેર ખાતે મળેલી મીટીંગ સંસ્થાના અમુક પ્રદેશ અધ્યક્ષ કે સીનીયર હોદેદારો અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મને પણ પુછયા વગર કે એજન્ડા આપ્યા વગર આયોજન કરવામાં આવ્યુ હતું. મીટીંગમાં હાજર રહેલા મનુભાઇ ચાવડા જે સંસ્થાના સભ્ય પણ નથી તેમજ હેમંતભાઇ ભાટી કે જે રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ નથી તેવા લોકો ઉપસ્થિત રહ્યા હતાં ઉપરાંત ૩ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષો જ ઉપસ્થિત રહ્યા હતાં પુરતા સભ્યોની હાજરી વગર કોઇપણ ઠરાવ કે નિર્ણયો આવી મીટીંગમાં લેવા ગેરબંધારણીય છે તેનો કોઇ અર્થ રહેતો નથી.

કોઇપણ સંસ્થાની ચૂંટણી કરવાની હોય તો સંસ્થાના વરિષ્ઠ હોદેદારોની સહમતી મેળવી મતદાર યાદી કે રાષ્ટ્રીય કારોબારી સભ્યોની યાદી તૈયાર કરી ચૂંટણી અંગે અગાઉથી તમામ સભ્યોને એજન્ડાની જાણ કર્યા બાદ ચૂંટણીની પ્રક્રિયાઓ થઇ શકે પરંતુ આ મીટીંગમાં આ અંગે કોઇપણ પ્રકારની કાયદાકીય જોગવાઇનું પાલન પણ થયુ ન હોય આ મીટીંંગ અને ચૂંટણીની પ્રક્રિયા સંસ્થાના બંધારણ વિરૂધ્ધ છે.

અંતમાં કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે હું હાલ ગુજરાત રાજયનાં કેબીનેટ મંત્રીની જવાબદારી તેમજ સ્થાનીક સંસ્થાઓ સાથે જોડાયેલો હોય ઉપરાંત સ્થાનીક વિસ્તારોની જવાબદારીમાં સતત વ્યસ્ત રહેતો હોય બીજા રાજયોમાં ઓછો સમય ફાળવી શકાતો હોય મને સ્વૈચ્છીક રીતે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીમાંથી મુકત કરવા અમુક હોદેદારોને અગાઉ જાણ પણ કરી હતી. અને આગામી દિવસોમાં કોઇ યુવાન અને સારી વ્યકિતને સમાજના કામો કરવાની તક મળે અને સંગઠન મજબુત બને તે માટે યોગ્ય કરવા ભલામણ પણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ અજમેર ખાતે યોજાયેલ આ ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે મુખ્ય ત્રણ દાવેદારો  હતાં જેમાં ચંદ્રવદન પીઠાવાલા, અજીત પટેલ અને મધ્ય પ્રદેશના માજી સાંસદ સત્યનારાયણ પ્રસાદ કે જેઓ છેલ્લી ઘડીએ ખસી ગયા હતાં બાદમાં ચંદ્રવદન પીઠાવાલા અને  અજીતભાઇ પટેલ વચ્ચે  મતદાન થયું હતું જેમાં અજીતભાઇ પટેલની જીત થઇ હતી.

આમ તો જાણવા મળ્યા મુજબ અજીતભાઇ પટેલ ઉમર લાયક છે અને તેમની તબીયત પણ નરમ-ગરમ રહે છે આમ છતાં હાલ તેઓને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગે ચંદ્રવદન પીઠાવાલાનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ મળી શકયા નથી.

જો કે ગઇકાલે નવા વરાયેલા કોળી સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઇ પટેલ દ્વારા કુંવરજીભાઇ બાવળીયા સામે આક્ષેપો  કરી જણાવ્યું હતું કે કુંવરજીભાઇએ સમાજનો ઉપયોગ કરી સમાજનો નહી પરંતુ પોતાનો જ વિકાસ કર્યો છે.

હાલ આ બનાવે સમગ્ર કોળી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે જો કે અમુક કોળી સમાજનાં નિષ્પક્ષ આગેવાનોના જણાવ્યા મુજબ આ ચૂંટણી યોગ્ય રીતે નથી થઇ તેમજ અજીતદાદાની તબીયત પણ હાલ નરમ-ગરમ રહેતી હોય પડદા પાછળ અનેક રમતો રમાઇ હોય તેવું જણાવ્યું હતું.

આ વિવાદો સમી જાય તે માટે પણ અમુક કોળી સમાજનાં આગેવાનો આગળ આવ્યા છે. 

(11:50 am IST)