Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબી નગર પાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ.

અગાઉ બેવખત આવી ઝુંબેશનું બાળમરણ થયુ છે, તેમ તો નહી થાયને? ઉઠતો સવાલ : રઝળતા ઢોરને ડબ્બે પુરવા માટે પાલિકાએ કોન્ટ્રાકટ ટીમને મેદાને ઉતારી

 

મોરબી : મોરબીમાં અંતે રઝળતા ઢોરને બાનમાં લેવા માટે પાલિકા તંત્રએ આળસ ખંખેરી છે અને રઝળતા ઢોરને ડબ્બે પુરવા માટે પાલિકાની કોન્ટ્રાકટ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઢોરને  રસ્તા પરથી પકડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને નિયમ મુજબ ઢોરને રસ્તે રઝળતા મુકનાર ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
મોરબી શહેરમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે. મુખ્ય માર્ગ તેમજ શહેરના એકપણ વિસ્તાર કે શેરી-ગલી બચી નથી કે જ્યાં રઝળતા ઢોરનો ત્રાસ ન હોય. આવી રીતે રઝળતા ઢોરનો ત્રાસ હમણાં વરસાદી વાતાવરણમાં બેકાબુ બન્યો છે. તેમાંય વારંવાર આખલા યુદ્ધથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી રઝળતા ઢોરને ડબ્બે પુરવા માટે હવે મોરબી નગરપાલિકાએ કમર કસી છે અને રઝળતા ઢોરને માર્ગો પરથી હટાવવાની કામગીરી હાથ ધરી છે. મોરબી નગરપાલિકા તંત્રએ ઢોરને પકડવા માટે ખાસ દસથી બાર માણસોને કોન્ટ્રકટ બેઇઝ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા શહેરમાં રવિવારથી માર્ગો ઉપર ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય રસ્તા ઉપરથી પાલિકાની ખાસ ટીમ દ્વારા ઢોરને પકડીને શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ડેલામાં રાખવામાં આવ્યા છે. હાલ શહેરના મુખ્ય માર્ગ ઉપર ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાઇ છે અને આગામી સમયમાં ધીરેધીરે શહેરના તમામ વિસ્તારોમાં ઢોર પકડ ઝુંબેશ હાથ ધરાશે.
આ અગાઉ બેવાર આવી ઝુંબેશ સરું કરવામાં આવી હતી અને કોઇપણ જાતના પરીણામ વગર જ તેનું બાળમરણ થયું હતું, આ વખતે એવું તો નહી થાયને? આવો સવાલ મોરબી વાસીઓ પુછી રહ્યા છે.

(10:17 pm IST)