Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મેઘરાજાની કૃપા નહિ વરસતા બોટાદ- અમરેલી તથા સુરેન્દ્રનગર જીલ્લાના ૭ર ટકા ડેમો હાલ ખાલીખમ

આ ત્રણેય જીલ્લામાં પાણી અંગે ચિંતાના વાદળો : ભાવનગર જીલ્લાના ડેમોમાં પણ માંડ ૩૩ ટકા પાણી આવ્યું: રાજકોટના ૩૦થી વધુ ડેમોમાં ૬૦ ટકા પાણી : ૪૦ ટકા ભરાવાના બાકી હોય અમુક ક્ષેત્રોમાં જળસંકટના વાદળો

રાજકોટ, તા. ૩ : અષાઢ મહિનો પૂરો થયો અને શ્રાવણ મહિનો શરૂ થતાં હવે નાના-મોટા ઝાપટાની આશા વચ્ચે સૌરાષ્ટ્રના અમુક જીલ્લાના ડેમોમાં માત્ર રપ ટકા જ પાણી ભરાયું હોય લોકો ચિંતાતુર બન્યા છે.

સિંચાઇ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મોરબીના બે મોટાડેમ મચ્છુ-૧ અને મચ્છુ-ર ડેમ સહિત તમામ ડેમોમાં થઇને માત્ર ૩૮ ટકા જ વરસાદી પાણી ભરાયું હોય જો વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઉભુ થશે તેમ મનાઇ રહ્યું છે.

મોરબી કરતા ખરાબ સ્થિતિ બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લાની છે. બોટાદના ૩૩ ટકાનો ઝાલાવાડના ડેમોમાં માત્ર રપ ટકા પાણીનો જથ્થો હોવાનું સિંચાઇ વિભાગના ડેમોમના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે.

ડેમોમાં રાજકોટની વાત કરીએ તો આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ભરપૂર પાણી છે, તો ભાદર ડેમમાં પણ પાણીની આવક થઇ હતી.

રાજકોટ જીલ્લાની કુલ ૩૦થી વધુ ડેમોમાં મેઘરાજાએ પાણી ઠાલવ્યું, પરંતુ તે માત્ર ૬૦ ટકા, હજુ ૪૦ ટકા જથ્થો બાકી હોય, રાજકોટ જીલ્લાના અમુક ક્ષેત્રોમાં પાણી અંગે ચિંતાના વાદળો છે.

સૌરાષ્ટ્રમાં કુલ ૧પ૦થી વધુ ડેમો આવેલા છે, પોરબંદર, અમરેલીના ૩ ડેમો રાજકોટ સિંચાઇ વિભાગ હેઠળ આવે છે, અમરેલીનો સાકરોલી ભરાયો છે, તો પોરબંદરમાં કોઇ પ્રોબ્લેમ નથી, આ જીલ્લાના ડેમો ૮ર ટકા પાણીથી છલોછલ છે.

મેઘરાજાએ આ વખતે વિશેષ કૃપા જામનગર, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ ઉપર ઉતારી હતી. આ ચારેય જીલ્લાના ૬૦થી વધુ ડેમોમાં ૯૯ ટકાથી વધુ પાણીનો જથ્થો હોય હાલ કોઇ પ્રોબ્લેમ નથી. સિંચાઇ વિભાગે ઉમેર્યું હતું કે, અમરેલીમાં ડેમોમાં પપ ટકા પાણી છે. ખોડીયાર-શેત્રુંજીમાં એવી કોઇ ખાસ આવક નથી થઇ, પરંતુ ભાવનગર જીલ્લાની ડેમોની સ્થિતિ બોટાદ-સુરેન્દ્રનગર જેવી છે ત્યાં હાલ ડેમોમાં ૩૩ ટકા જ પાણી હોવાનું નોંધનીય છે.

(11:37 am IST)