Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ગારીયાધાર પીજીવીસીએલના કર્મચારીઓની કામ કરવાની ઢીલી નીતિથી ખેડૂતોના થયા બેહાલ

એકમાસથી ટીસી બળી ગયેલ છે છતાં તંત્રના આંખ આડા કાન!! ફોલ્ટ થયા બાદ ૧૫ દિવસે સર્વે, રપ દિવસે ટી.સી. અને જંપરના જોડાણ વાંકે ખેડૂતો પરેશાન

ગારીયાધાર તા.૩: ગારીયાધાર પીજીવીસીએલ કચેરી ૧ હેઠળ આવતું બેલા ફિડરનું ખેતીવાડી ટીસી બળી જતા રપ દિવસે આવેલુ ટીસી જંપ્પરના જોડાણ વાંકે ખેડૂતો વિજળી વિહોણા બન્યા છે.

 

ગારીયાધાર પંથકમાં મોરબા ગામે વરસાદના પગલે બેલા ફિડર નિચેનું ખેતીવાડીનું ટ્રાન્સફોર્મર બળી જવાના કારણે આ ટીસી નિચેના કનેકશનો ધરાવતા ખેડૂતો દ્વારા ગત માસની તા. ૫/૭/૧૮ ના રોજ બળી ગયેલું ટીસી બદલી આપવાની માંગણી કરવામાં આવી હતી. જેની વારંવાર રજૂઆત કરતા તા. ૧૯/૭/૧૮ ના રોજ કર્મીઓ દ્વારા સર્વે કરીને તા. ૩૧/૭/૧૮ ના રોજ નવું ટીસી લાવવામાં આવ્યું જે ટીસી છેલ્લા ૪ દિવસથી જંપ્પરના જોડાણો વાટે શોભાના ગાઠીયા સમાન ખેતરોમાં ઊભું છે. ખેડૂતો પાસે તંત્ર દ્વારા બાકી નિકળતા બીલો માટે પઠાણી ઉઘરાણી કરવામાં કોઇપણ પ્રકારની પાછીપાની કરવામાં આવતી નથી.

જયારે ખરા સમયે લાઇટોની જરૂરીયાત હોય તે જ સમયે તંત્ર દ્વારા ધાંધિયા મારવામાં આવે છે. ૧૫ દિવસે સર્વે, રપ દિવસે ટીસી બદલાયું છે જયારે વિજળીના જોડાણ માટે જંપ્પર આપવામાં તંત્ર કેટલા દિવસો કરશે તે જોવું રહયું.

વરસાદનો પ્રથમ રાઉન્ડ પુરો થયા બાદ બીજા રાઉન્ડના લાંબા દિવસો નિકળી જવાના કારણે ખેડૂતોને પોતાના ઉજરેલા છોડને બચાવવા પાણીની તાતી જરૂરીયાતો ઊભી થવા પામી છે. પરંતુ બેદરકાર પીજીવીસીએલ તંત્રના પાપે ખેડૂતોના બેહાલ થવા પામ્યા છે.

જયારે આ બાબતે ડિવીઝન કચેરીના અધિકારીઓ અને નેતાઓ દ્વારા પીજીવીસીએલ કચેરી-૧ના ધાંધિયા સામે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. (૧.૨)

(12:38 pm IST)