Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રસ્‍તે રઝળતા પશુઓ સામે તંત્ર કયારે કામગીરી કરશે ? કુતિયાણાના ર મિત્રોના આખલાએ બાઇકને હડફેટે લેતા મોત : તંત્ર સામે ભારે આક્રોશ

હાઇવે ઉપર રઝળતા પશુઓ સામે ઝુંબેશ જરૂરી

પોરબંદર :  કુતિયાણા હાઇવે પર આખલાનો આતંક યથાવત રહ્યો છે. આખલાએ વધુ 2 યુવાનનો ભોગ લીધો છે. કુતિયાણામા રહેતા બન્ને યુવાન મિત્ર રાણાકંડોરણા ખાતે દર્શન કરી બાઇક પર પરત ઘરે આવતા હતા તે વેળાએ બાઇક આડે આખલો ઉતરતા અથડાઈ જતા ગંભીર ઈંજા પહોંચતા બન્ને યુવાનના મોત નિપજ્યા હતા. કુતિયાણા ગામમાં આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોરબંદર જિલ્લામાં રઝળતા આખલાનો ત્રાસ યથાવત છે. દરેક વિસ્તારમાં રઝળતા પશુ નજરે ચડે છે. હાઇવે પર પણ રઝળતા આખલાને કારણે અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે.

આખલો આડો ઉતરતા વાહન હડફેટે અનેક વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે તો આખલાને કારણે અનેક બાઇક ચાલકોને ગંભીર ઈંજાઓ પહોંચી છે. કુતિયાણા ગામે બહારપુરા વિસ્તારમાં રહેતા આનંદ દેવાભાઈ ખૂંટી નામનો 24 વર્ષીય યુવાન તથા તેના પાડોશમાં રહેતો મિત્ર રાજ કેશુભાઈ દાસા નામનો 24 વર્ષીય યુવાન અષાઢી બીજના દિવસે શાંજે રાણા કંડોરણા ગામે આવેલ લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવાનું આયોજન કર્યું હતું.

શાંજે આ બન્ને યુવાન મિત્રો રાણા કંડોરણા ગામે લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા બાઇક પર નિકડયા હતા અને મંદિરેથી દર્શન કરી આ બન્ને મિત્ર કુતિયાણા ખાતે પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે કુતિયાણા હાઇવે રોડ પર આવેલ આઈટીઆઈ સામે રોડ પાર પહોંચ્યા ત્યારે એકાએક બાઇક આડે આખલો વચ્ચે આવી જતા બાઇક અથડાયું હતું અને બન્ને યુવાન રોડ પર ફંગોળાઈ જતા બન્નેને શરીરે ગંભીર ઈંજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે બન્ને યુવાનને મૃત જાહેર કર્યા હતા.

બાદ બન્ને યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી બન્ને મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા. આનંદ ઇલેક્ટ્રોનિક્સનો વેપારી હતો જ્યારે રાજ ડેરી પ્રોડકટમા નોકરી કરતો હતો. આમ હાઇવે પર આખલો આડો ઉતરતા કુતિયાણા ગામના બન્ને પાડોશી યુવાન મિત્રોના મોત નિપજતા કુતિયાણા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આનંદ અને રાજ બન્ને પાડોશી મિત્ર હતા. એકબીજા સુખ દુઃખના સાથી હતા. દર્શન કરીને બાઇક પર પરત ફરતી વેળાએ આખલો આડો આવતા બન્ને મિત્રોના મોત થતા રાત્રે 12 વાગ્યે બન્ને મિત્રોની અર્થી સાથે નીકળી હતી અને બન્નેના એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આખલો આડો ઉતરતા કુતિયાણાના બન્ને યુવાન મિત્રના મોત નિપજ્યા છે જેમાં આનંદ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. તેની એક નાની બહેન છે. જ્યારે રાજ તેના પરિવારમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. આમ આ અકસ્માતમાં બન્ને પરિવારની બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવી દેતા આ પરિવાર તથા કુતિયાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

કુતિયાણામા રહેતો આનંદ ખૂંટી અષાઢી બીજના દિવસે સવારે ચાલીને રાણા કંડોરણા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. બપોરે બાઇક લઈને રાણા કંડોરણા ગામે એક એસી રીપેર કરવા ગયો હતો અને બાદ શાંજે તેના મિત્ર રાજ સાથે બાઇક લઈને કંડોરણા ગયો હતો.

કુતિયાણામાં રહેતો આનંદ દેવાભાઈ ખૂંટી નામના યુવાનના લગ્ન થઈ ગયા હતા અને તેના છૂટાછેડા થયા હતા. જ્યારે રાજ કેશુભાઈ દાસા નામનો યુવાન અપરણિત હતો.

હાઇવે પર રઝળતા આખલાનો ત્રાસ જોવા મળે છે. આખલાને કારણે વાહન ચાલકોના ભોગ લેવાઈ રહ્યા છે. વધુ કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા આખલાનો ત્રાસ દૂર કરવા ખાસ રઝળતા પશુઓને પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

(12:55 pm IST)