Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગારીયાધારના રૂપાવટી ગામે પાંચ પાંચ દિવસથી વિજ ધાંધીયાઃ તંત્રને ફોલ્ટ મળતો નથી

ગારીયાધાર તા. ૩ : ગારીયાધાર શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજતંત્રના ધાંધીયાના કારણે સમગ્ર તાલુકાની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. અનેક ફરીયાદો પરંતુ પેધી ગયેલા અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા જેના કારણે પ્રજાજનોની દુર્દશા થવા પામી છે.

ગારીયાધાર તાલુકામાં પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળો પર થઇ હોય તેનો જીવતો જાગતો દાખલો રૂપાવટી ગામ પરથી સાબિત કરી શકાય છે. છેલ્લા પાંચ દિવસથી રૂપાવટી ગામ ખાતે બપોરે, સાંજે, રાત્રે ગમે તેવા સમયે રૂપાવટી ગામ ખાતે લાઇટો ગુલ થઇ જાય છે જે લાઇટ ગયા બાદ કલાક સુધી આવતી નથી જેના કારણે રૂપવાટીના ગ્રામજનો ચોમાસાની ગરમીમાં શેકાઇ રહ્યા છે. આટઆટલી હાલાકીઓ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ નકકર કામગીરી થતી નથી.

છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા હોવા છતા વિજતંત્રને લાઇટ જવાનો ફોલ્ટ ન મળતો હોવાથી વારંવાર આ સમસ્યા સર્જાઇ રહી છે પેધી ગયેલા અધિકારીઓના કારણે આવી સમસ્યાઓ તાત્કાલીક નિરાકરણ ન આવતા હોવાતી વ્યાપક ગ્રામ્ય પંથકોમાં ફરીયાદો ઉઠી રહી છે.

ગ્રામ્ય સાથે ગારીયાધાર શહેરમાં પણ આજ પરિસ્થિતિ છે. વારંવાર લાઇટો જવી ગારીયાધાર તાલુકા માટે સામાન્ય બાબત બની છે જેના કારણે સમગ્ર તાલુકાની પ્રજા પીજીવીસીએલ તંત્રની કામગીરીથી તોબા પોકારી ઉઠી છે સ્થાનિક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિજતંત્રની આવી બેદરકારીમાં સુધારો થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.(

(11:25 am IST)