Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોલીસ ઉપર હુમલો કરવાનું રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર સામે ધાક બેસાડવા પગલા ભરવા માંગ

સરહદી વિસ્તાર ખાવડામાં બનેલા બનાવ સંદર્ભે હિન્દુ વિચાર મંચની સરકાર સમક્ષ આક્રોશભરી રજૂઆત

ભુજ તા. ૩ : પાકિસ્તાન સાથે દેશને જોડતી કચ્છ સરહદે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી પ્રવૃતિઓ કરનારા રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કડક પગલાં ભરવા હિન્દુ વિચાર મંચ કચ્છ દ્વારા સરકારનેઙ્ગ આક્રોશભરી રજુઆત કરાઈ છે. બે દિવસ પહેલાં ખનીજ ચોરી સંદર્ભે પૂછપરછ કરવા ગયેલ ખાવડાની પોલીસ પાર્ટીને ઘેરીને ૧૨૫ થી વધુ પુરુષો અને મહિલાઓના ટોળાએ ઘેરીને કાશ્મીર સ્ટાઈલથી પથ્યરમારો કરી પાંચ પોલીસ કર્મીઓને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

આ બનાવને હિન્દુ વિચાર મંચે અતિ ગંભીર ગણાવી પોલીસ ઉપર કરાયેલા ઘાતક હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવને રાષ્ટ્ર વિરોધી કૃત્ય ગણાવ્યું છે. સરહદી વિસ્તરમાં આવું રાષ્ટ્ર વિરોધી કૃત્ય આચરનારાઓ સામે અતિ કડક ધાક બેસાડતા પગલાં ભરવાની માંગ કરાઈ છે.

ખનીજ ચોરી કરનાર તત્વોને કારણે રાજયને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી સરકારના આર્થિક હિતને નુકસાન કરનારા તત્વો સામે પણ કડકાઈભરી કામગીરી કરવા રજુઆત કરાઈ છે.

સંસ્થા વતી કબીર મંદિરના મહંત કિશોરદાસજી, ઉમિયા માતાજી સંસ્થાનના હંસરાજ ધોળુ, જાણીતા એડવોકેટ કિરણ ગણાત્રા, રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકી, પ્રાંતના સેવા પ્રમુખ નારાણ વેલાણી, અખિલેશ અંતાણી, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી જાદવજી ગોરસિયા, ટેકસ કન્સલનન્ટ કમલકાંત મહેતા સહિતના અગ્રણીઓએ કચ્છ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

(10:23 am IST)