Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોરબીમાં કોંગ્રેસનો કકળાટ : બાગી સદસ્યો સામે પગલા ભરવા પ્રદેશ કોંગ્રેસમાં ઘા

મોરબી તા. ૩ : જીલ્લા પંચાયતમાં પક્ષના આદેશનો ઉલાળિયો કરીને ૧૬ સદસ્યોએ પોતાના મનપસંદ પ્રમુખને જીતાડ્યા હતા તેમજ સ્થાનિક ધારાસભ્યોની રાવ લઈને આ જૂથના સદસ્યો પ્રદેશ કોંગ્રેસ પાસે પહોંચ્યા હતા ત્યારે હવે સામેનું જૂથ મેદાનમાં આવ્યું છે અને બાગી સદસ્યો સામે પગલાની માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જીલ્લા પંચાયતના સદસ્ય મુકેશ ગામીએ જણાવ્યું છે કે જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણીમાં પ્રમુખ તરીકે મુકેશ ગામી અને ઉપપ્રમુખ તરીકે હસમુખ મુછડીયાને મેન્ડેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આપ્યો હતો અને પક્ષ દ્વારા વ્હીપ અપાયો હોવા છતાં બળવાખોર કિશોર ચીખલીયા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ગુલામ પરાસરા ચૂંટાયા છે જે બધાએ પક્ષના વ્હીપનો ભંગ કર્યો છે અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંતોષકારક જવાબ નહિ મળે તો બળવાખોરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા સુધીના જલદ પગલા લેવાય તેવી માંગ કરી છે.

મુકેશ ગામીએ વધુમાં જણાવ્યું છે કે જીલ્લા પંચાયતમાં એક હથ્થુ શાસન અમુક આગેવાનોની દોરવણીમાં કરીને કોંગ્રેસ પક્ષની આબરૂનું ધોવાણ કરવામાં આ બગાવતી જૂથ કાર્યરત છે અમે જે સભ્યોએ કોંગ્રેસ પક્ષના આદેશને શીરોમાન્ય ગણી પક્ષની આજ્ઞા માની છે ત્યારે પક્ષ અને પ્રજા માટે અમારી વફાદારીની કદર થવી જોઈએ અને પક્ષના વ્હીપના ચીંથરા ઉડાવનાર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા અમે પ્રદેશ કક્ષાએ ઉગ્ર માંગણી કરી છે આ બળવાખોર જૂથ કોંગ્રેસ પક્ષના આદેશનો ઉલ્લંઘન કરવા ટેવાયેલું છે ભૂતકાળમાં પણ આવો બળવો આ જુથે કરેલ હતો પરંતુ કોંગ્રેસે મોટું મન રાખી માફી બક્ષી હતી જયારે ફરી તેવું કૃત્ય કર્યું છે ત્યારે જેને કોંગ્રેસના પંજાને મત આપ્યા છે તેવા મતદારોનો દ્રોહ કરનાર બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી તેનું સભ્યપદ રદ થાય તે માટે કાનૂની રાહે કાયદેસર કાર્યવાહી કરવા અને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી એક દાખલો બેસાડવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના શિસ્તને તોડવા પહેલા વિચાર કરવો પડે આટલી સ્પષ્ટતા કોંગ્રેસ પક્ષના હિતમાં જેને કોંગ્રેસ પક્ષને મત આપ્યા છે તેમની લાગણી ના દુભાય તે માટે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે તેમ પણ જણાવ્યું છે.

(3:42 pm IST)