Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ચાર વર્ષની ટબૂકડી ધ્યાની જાનીએ અભિનયથી સૌને આંજી દીધાઃ યુ-ટ્યુબે આપ્યો સિલ્વર એવોર્ડ

ઘરમાં વાત-ચીતમાં અભિનય દાખવતી દિકરીની કળાને માતા-પિતા પારખી ગયા ને સામાજીક સંદેશા ઓ આપતા વિડીયો તૈયાર કર્યા :મોબાઇલ કેમેરાથી શુટીંગ કરીને યુ-ટ્યુબ પર ચોૈદ જેટલા વિડીયો અપલોડ કરવામાં આવતાં પ કરોડ ૬૩ લાખ વ્યુ મળ્યાઃ વાંકાનેરના ધવલ જાની અને જેનીશ ધ્યાની દિકરી ધ્યાની સમજણી થાય ત્યારે જે ફિલ્ડમાં જવા ઇચ્છે તેમાં મોકલશે

ટબૂકડી કલાકાર ધ્યાની તેના માતા જેનીશ જાની અને માતા ધવલ જાની તથા ભાઇ પરમ સાથે તથા યુ ટ્યુબના એવોર્ડ સાથે માતા અને છેલ્લે લાક્ષણિક અદામાં ધ્યાની જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: ઇશ્વરીય કૃપા હોય તો જ વ્યકિત કોઇપણ કલા ક્ષેત્રે આગળ વધી શકતો હોય છે. કલાના કામણથી કોઇપણ વ્યકિત અનેરી ચાહના મેળવી શકે છે, કલાને ઉમરનો બાધ નડતો નથી. મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતાં જાની (બ્રાહ્મણ) પરિવારની ૪ વર્ષની લાડકવાયી દિકરીમાં અભિનય કલા જાણે આપોઆપ ખીલી આવી છે. જો કે ધ્યાનીના પિતા ધવલભાઇ રાજેન્દ્રભાઇ જાનીએ પણ બોલીવૂડની ત્રણ ફિલ્મોમાં અભિનય કર્યો છે. એટલે એમ પણ કહી શકાય કે અભિનય ધ્યાનીને વારસામાં મળ્યો છે.  સોશિયલ મિડીયા થકી આ બાળકીએ પોતાની ઓળખ દેશ-વિદેશમાં ઉભી કરી લીધી છે. યુ-ટ્યુબ પર આ ટબૂકડી ધ્યાની જાનીના સામાજીક સંદેશા આપતાં અભિનયનના ૧૩ જેટલા વિડીયોને ૫ કરોડ ૬૩ લાખ વ્યુ મળતાં યુ-ટ્યુબ તરફથી તેને સિલ્વર એવોર્ડ અપાયો છે. આટલી નાની ઉમરે આવી સફળતા ભાગ્યે જ મળતી હોય છે. લાડકી દિકરીની આ સિધ્ધીથી જાની પરિવારની ખુશી સાતમા આસમાને છે.

ચાર જ વર્ષની ધ્યાની જાની નામની આ ટબૂકડીનો અભિનય જોઇ સોૈ કોઇ વાહ-વાહ કરવા મજબુર થઇ ગયા છે. ઘરમાં સામાન્ય વાતચીત દરમિયાન તે જાણે અભિનય કરતી હોઇ તેવું તેના પિતા ધવલભાઇ રાજેન્દ્રભાઇ જાની અને માતા જેનીશ ધવલભાઇ જાની પારખી જતાં તેનામાં રહેલી અભિનય કળાને જાગૃત કરવા માતા-પિતાએ બીડુ ઝડપી લીધુ હતું. પોતાને આપવામાં આવતાં ડાયલોગ ધ્યાની ખુબ સરસ રીતે અભિનય સાથે બોલવા માંડતી હતી. આ જોઇ તેની કળાને યુ-ટ્યુબ પર મુકવાનું નક્કી કરી લેવાયું હતું. એ પછી ધ્યાનીને પિતા ધવલ જાની તરફથી સ્ક્રિપ્ટ તૈયાર કરી ડાયલોગ અપાતા હતાં અને એ મુજબનો અભિનય કરવા કહેવાતું હતું.

ધ્યાની જાણે આ કામમાં પહેલેથી જ માહેર હોય તેમ ખુબ સરળતાથી ડાયલોગ બોલતાં-બોલતાં અભિનય કરતી હતી. તેના આ અભિનયને મોબાઇલ કેમેરાથી શુટ કરી લેવામાં આવતો હતો અને બાદમાં વિડીયો યુ-ટ્યુબ પર અપલોડ કરી દેવામાં આવતો હતો. એક પછી એક આવ ૧૩ જેટલા ચાર-પાંચ મિનીટના વિડીયો તૈયાર કરાયા હતાં અને એક પછી એક અપલોડ કરાયા હતાં. જોત જોતામાં જ ટબૂકડી ધ્યાનીના આ વિડીયોને એટલા પસંદ કરાયા કે એક-એક વિડીયોને મિલીયન્સ વ્યુ મળવા માંડ્યા!

ધ્યાનીના જે વિડીયો છે તે સાવ એમ જ ગમે તે વિષય પર નથી બન્યા, તેમાં સામાજીક સંદેશાઓ પણ છે. જાની પરિવાર દ્વારા આ બાળાના આવા વિડીયો છેલ્લા ત્રણ મહિનાથી યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. તેના આ વિડીયોને દેશ-વિદેશમાં વસતાં લાખો લોકોએ સબસ્ક્રાઇબ્સ કરતાં કુલ ૫ કરોડ ૬૩ લાખ વ્યુ પ્રાપ્ત થયા છે. જેની નોંધ યુ-ટ્યુબ દ્વારા લેવામાં આવી હતી અને ધ્યાનીને આ માટે સિલ્વર એવોર્ડ અપાયો છે. નાની ઉમરે જ મોટી નામના મેળવી લેનારી વ્હાલના દરિયા સમી દિકરીને જાની પરિવાર હવે ભણતરની સાથો સાથ અભિનય કળામાં પણ તે સોળે કળાએ ખીલી ઉઠે તે માટે પ્રેરણા આપી રહ્યા છે. જો કે માતા-પિતા ધ્યાની પર અભિનય માટે કોઇ દબાણ લાવવા ઇચ્છતા નથી. તે કહે છે કે દિકરી સમજણી થશે ત્યારે તેને જે ફિલ્ડમાં જવું હશે એ ફિલ્ડમાં જવા માટે અમે તેને મદદ કરીશું.

સોશિયલ મિડીયા આજે એવું માધ્યમ છે જેના થકી આજે કોઇપણ વ્યકિત પોતાની વાત ખુબ ઝડપથી સમાજ સમક્ષ, દેશ-દુનિયા સમક્ષ મુકી શકે છે. નાનકડી ધ્યાનીને પણ આ માધ્યમથી ખુબ ફાયદો થયો છે. ધ્યાનીના પિતા ધવલ જાની વાંકાનેર સરકારી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેને નાનપણથી અભિનય ક્ષેત્રે જવાનો શોખ હતો. પરંતુ કઇ રીતે આ ફિલ્ડમાં જઇ શકાય તેનું માર્ગદર્શન મળ્યું નહોતું. હવે તે આ ફિલ્ડમાં પણ કામ કરી રહ્યા છે. સોૈ પહેલા તેણે દિવ ખાતે સંજયદત્ત-રિતીક રોશનની ફિલ્મ 'અગ્નિપથ'માં કામ કરવા માટે ઓડિશન આપ્યું હતું અને તેમાં રોલ મળ્યો હતો. એ પછી વાંકાનેરમાં જ જેનું શુટીંગ થયું હતું તે ફિલ્મ 'મટરૂ કી બિજલી કા મન ડોલા'માં પણ રોલ મળ્યો હતો. તેની આવનારી ફિલ્મ વાહ જિંદગી છે.

ધ્યાનીએ જે વિડીયોમાં કામ કર્યુ છે તેમાં સાસુ-વહૂના ઝડઘા અને વહુ દ્વારા સાસુને કહેવાય છે કે મને જો કંઇ કામ ન આવડતું હોય તો તમે શીખવાડો ને, હું તમને મા કહુ છું તો તમે પણ દિકરી કહો ને..., દિકરી વ્હાલનો દરિયો, વેકેશનમાં મામી થયા હેરાન, પરિક્ષાનું પ્રેશર, કામવાળી બાઇ સાથે થયો ઝઘડો, ભીખારી સાથે કેવું વર્તન કરવું? સહિતના વિષયો સામેલ છે. આ તમામ વિડીયોમાં સામાજીક સંદેશો છુપાયેલો છે. ધ્યાનીના પિતા ધવલ જાનીને તેના ફેસબૂક આઇડી તેમજ મો. નં. ૯૪૨૬૧ ૫૨૩૨૧ ઉપર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

એકમાં અનેક...ધ્યાની ભજવે છે અનેક પાત્રો

પિતાએ પણ ફિલ્મોમાં અભિનય કર્યો છેઃ ધ્યાનીના વિડીયો દિકરો અને દિકરી બંને એક સમાન હોય છે એ સમજાવવા માટે પણ ઉપયોગી થયા

ધ્યાનીએ જુદા-જુદા વિડીયોમાં મમ્મી, મામા, મામી, ભાણેજડી એમ અનેક પાત્રો ભજવ્યા છે. ચાર વર્ષની ઉમરે બાળકોને ભણતરમાં આવતી કવિતાઓ કે બીજી પંકિતઓ મોઢે કરીને બોલવામાં પણ તકલીફ પડતી હોય છે, ત્યારે ધ્યાનીએ સ્ક્રિપ્ટ મુજબ ડાયલોગ બોલી સાથે અભિનય પણ કરીને સોૈને અચંભામાં મુકી દીધા છે. ધ્યાનીના પિતા ધવલ જાનીએ કહ્યું હતું કે મેં દિકરી વ્હાલનો દરિયો નામનો વિડીયો પોસ્ટ કર્યો પછી એવી અનેક મહિલાના ફોન આવ્યા હતાં કે જેને સંતાનમાં બે કે ત્રણ દિકરીઓ હોય. આવી મહિલાઓએ ધ્યાનીના વિડીયોનો ઉપયોગ તેના પતિ, સાસરિયાને દેખાડી દિકરો અને દિકરી બંને એક સમાન છે એવું સમજાવવા માટે  કર્યો હોવાનું કહેતાં મને દિલથી ખુશી થઇ હતી. ધવલ જાનીએ પણ બોલીવૂડની ત્રણ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

(3:47 pm IST)