Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કોડીનાર પંથકના ખેડુતો ચેતજો, 'લાલચ'માં લૂંટાતા નહિ

અગાઉ અનેક ખેડુતો સાથે ખરીદીના નામે છેતરપીડીંના બનાવો બન્યા છે, સાવચેત રહેવું જરૂરી : પૂરેપૂરી ખરાઇ કર્યા બાદ જ ખેતી ઉત્પાદનનો માલ વેંચજોઃ ચેમ્બર ઓફ કોમર્સ

કોડીનાર તા.૩: મહેનતના યોગ્ય વળતરની સોૈન આશા હોય એ સ્વાભાવિક છે, પણ કોઇની ખોટી લાલચમાં આવી જઇ લૂંટાવુ જોઇએ નહિ... એવી જ રીતે કોડીનાર પંથકના ખેડુતોને પણ ચેતવાયા છે કે, ખરીદનાર વેપારીઓ વિશે પૂરેપૂરી ખરાઇ કર્યા બાદ જ ખેત ઉત્પાદનનો માલ વેંચજો.

આ અંગે કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, કોડીનાર પંથકમાં કેટલાક લેભાગુ શખ્સો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને બજાર કરતા ઉંચા ભાવ જણસ ખરીદી તેની રકમ ચેક દ્વારા થાય છે... પરંતુ જયારે ચેક રિટર્ન થાય ત્યારે ખેડુતોને ઉપાધી વધી જતી હોય છે.

ઘણી વખત લેભાગુ વેપારીની ઉચી કિંમતની ખરીદીમાં લોભમાં આવી જનારા ધરતીપુત્રોને પાછળથી કિંમત ચુકવવી પડે છે, તો જે તે વેપારીઓ વિશે પૂરેપૂરી ખરાઇ કરીને જ ખેત ઉત્પાદનનો માલ વેચવા અપીલ કરાઇ છે.

વધુમાં ઉમેર્યુ છે કે, ભૂતકાળમાં પણ કોડીનાર પંથકમાં કેટલાક વેપારીઓ દ્વારા શરૂઆતમાં માલ ઉંચા ભાવે ખરીદી પાછળથી ખેડુતોને છેતરી જવાના બનાવ બન્યા છે, ત્યારે ફરી આવુ કોઇ ખેડુત સાથે ન બને તે માટે સોૈએ સાવચેત રહેવું જરૂરી છે.

(11:24 am IST)