Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ગોંડલના વોરાકોટડામાં ખનીજ ચોરીનો અરજીનો ખાર રાખી હુમલોઃ ૪ ઘવાયાઃ ફાયરીંગના આક્ષેપ

જયેશ ભાસાને ગંભીર ઇજાઃ તેને તથા ભાઇ નરેશ, ભત્રીજા ચિરાગ અને સુધીરને સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ કુંભા ચોથા, રોહિત, હકા, મયા સહિતના તૂટી પડયાઃ નાથાભાઇએ હવામાં બે ભડાકા કર્યાનો આક્ષેપ

હુમલામાં ઘવાયેલા જયેશભાઇ, નરેશભાઇ, સુધીર અને ચિરાગ રાજકોટ સારવાર હેઠળ છે. જેમાં જયેશભાઇ ભાસા બેભાન છે.

રાજકોટ તા. ૩: ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામમાં રાતે ધબધબાટી બોલી ગઇ હતી. બે સગા ભાઇઓ, ભત્રીજા સહિત ચાર જણા પર ગામના જ અને ગોંડલથી આવેલા શખ્‍સોએ મળી ધોકા-પાઇપથી હુમલો કરતાં એકને ગંભીર ઇજા પહોંચી હતી. ચારેય ઘાયલોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. ત્રણ મહિના પહેલા કોઇએ ખનીજ ચોરી મામલે નનામી અરજી કરી હતી ત્‍યારે ઘાયલ થયેલા બે ભાઇઓના એક કુટુંબી ભાઇ પર શંકા કરી હુમલો કરાતાં ફરિયાદ થઇ હતી. તેનો ખાર રાખી ફરીથી હુમલો કરાયાનો અને એક શખ્‍સે હવામાં બે રાઉન્‍ડ ફાયરીંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ વોરાકોટડા ગામે રહેતાં જયેશભાઇ હરિભાઇ ભાસા (ઉ.વ.૩૫) તથા તેના ભાઇ નરેશભાઇ હરિભાઇ ભાસા (ઉ.વ.૩૪) અને ભત્રીજા ચિરાગ ગીરધરભાઇ ભાસા (ઉ.વ.૨૨) તથા તેના સગા સુધીર અરવિંદભાઇ બગડા (ઉ.વ.૧૬) પર રાતે ગામના ગેઇટ પાસે કુંભાભાઇ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરતાં ચારેયને ઇજાઓ થતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જયદિપભાઇ હુદડે ગોંડલ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી નરેશભાઇએ જણાવ્‍યું હતું કે પોતે અને ભાઇ જયેશભાઇ ખેત મજુરી તથા છુટક કામ કરે છે. ચિરાગ વેલ્‍ડીંગ કામ કરે છે અને સુધીર અભ્‍યાસ કરે છે. ત્રણેક મહિના પહેલા અમારા ગામમાં ગોંડલના નાથાભાઇ તેમજ કુંભા ચોથા સહિતના ખનીજ ચોરી કરતાં હોવાની કોઇએ નનામી અરજી કરી હતી. ત્‍યારે તપાસ શરૂ થતાં માથાકુટ થઇ હતી અને તે વખતે પણ અમારા કુટુંબી ભાઇ વિજય રવજીભાઇ ભાસા (ઉ.વ.૨૦) ઉપર હુમલો થતાં અમે ત્‍યારે ફરિયાદ કરી હતી.

અરજી કોઇ બીજાએ કરી હતી છતાં અમારા પર શંકા કરવામાં આવી હતી. ત્‍યારથી માથાકુટ ચાલતી હોઇ ગત રાતે હું પાનની દૂકાને ઉભો હતો ત્‍યારે નાથાભાઇ કાર લઇને આવ્‍યો હતો અને તું અહિ શું ઉભો છો? તેમ કહી ઝઘડો કર્યા બાદ હું ઘરે જતો રહ્યા પછી નાથા, કુંભા, હકા, મયા સહિતના ધોકા-પાઇપ સાથે આવ્‍યા હતાં અને અમારા પર હુમલો કર્યો હતો. જેમાંથી નાથાભાઇએ હવામાં બે રાઉન્‍ડ ફાયરીંગ કર્યાનો આક્ષેપ પણ નરેશભાઇએ કર્યો હોઇ પોલીસે ખરેખર શું બન્‍યું હતું? તેની તપાસ શરૂ કરી છે.

(12:26 pm IST)