Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ખોખડદળ પાસે કારખાનામાં ડીવીઆરમાં શોર્ટ સરકિટથી આગઃ સેનેટાઇઝરને લીધે વધુ ભડકો થયોઃ પટેલ કારખાનેદારનું મોત

દેવપરા વિવેકાનંદનગરના અશ્વિનભાઇ પાનસુરીયા બે બહેનના એક જ ભાઇ અને માતા-પિતાનો આધાર હતાં: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ ખોખડદળ નદીના પુલ નજીક શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ન્યુ રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓફિસમાં સીસીટીવી કેમેરાના ડીવીઆરમાં શોર્ટ સરકિટથી ભડકો થતાં અને તીખારો પડતાં નીચે સેનેટાઇઝર રાખ્યું હોઇ આગ ભભૂકતાં કારખાનેદાર દેવપરાના વિવેકાનંદનગરના પટેલ યુવાનનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃત્યુ પામનાર બે બહેનના એક જ ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતાં.

જાણવા મળ્યા મુજબ વિવેકાનંદનગર-૧૪માં રહેતાં અશ્વિનભાઇ મગનભાઇ પાનસુરીયા (પટેલ) (ઉ.વ.૩૩) ગઇકાલે સાંજે ચારેક વાગ્યે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ નામના પોતાના કારખાનામાં ઉપરના ભાગે બનાવેલી ઓફિસમાં બેઠા હતાં ત્યારે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આગના બનાવને પગલે બાજુના કારખાનવાળા તથા બીજા લોકો દોડી આવ્યા હતાં અને ૧૦૮ બોલાવી અશ્વિનભાઇને હોસ્પિટલે ખસેડ્યા હતાં. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ. બી. વડાવીયા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ અશ્વિનભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતાં. તેનું મુળ વતન કાલાવડનું ટોડા ગામ છે. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

વધુ માહિતી મુજબ લોકડાઉન ખુલ્યા પછી મજૂરો ન હોઇ હાલમાં કારખાનુ ખોલવા ખાતર અશ્વિનભાઇ ખોલતા હતાં અને થોડા કલાકો બેસી પરત ઘરે આવી જતાં હતાં. ગઇકાલે સીસીટીવી કેમેરા બંધ હોઇ ડીવીઆર ચેક કરતાં હતાં તે વખતે અચાનક શોર્ટ સરકીટ થયા હતાં અને તણખા ઉડવા સાથે ભડકો થયો હતો. નીચે સેનેટાઇઝરનું ડબલુ ભરીને રાખ્યું હોઇ તેના કારણે આગ વધુ પકડાઇ ગઇ હતી અને અશ્વિનભાઇ લપેટમાં આવી ગયા હતાં. એકના એક દિકરાના મોતથી માતા-પિતા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

(11:45 am IST)