Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જામનગરમાં બાળકનું મૃત્યુ કોરોનાથી નહિ પરંતુ કેન્સરની બિમારીથી થયેલઃ કલેકટર

જામનગર જિ.ની કોવીડની પરિસ્થિતીની માહિતી કલેકટર જાહેર કરે

જામનગર, તા.૩:જામનગર જિલ્લાની કોવિદ-૧૯ની અપડેટ આપતા જિલ્લા કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યું કે, અત્યારે જામનગર જિલ્લામાં ૮ દર્દી સારવાર હેઠળ છે.  બાકી બધા દર્દીઓને રજા આપી દીધી છે. અત્યાર સુધીમાં ૨ (બે) મરણ થયા છે જે કોરોનાથી મૃત્યુ પામ્યા છે હાલમાં એક બાળકનું મૃત્યુ થયુ છે તે કોરોનાનો દર્દી હતો અને સાથે સાથે તે બાળક કેન્સરના રોગથી પણ પીડાતો હતો.

આ બાળકનું મૃત્યુ કોરોનાથી નહિ પરંતુ કેન્સરની બિમારીથી થયેલ છે જેનો અમે ગાંધીનગર ખાતે રીપોર્ટ કરેલ છે અને જે અમારા તજજ્ઞ ડોકટરો છે તેમણે  જાહેર કરેલ છે કે આ બાળકનું મૃત્યુ કોરોનાથી નહિં કેન્સરની બિમારીથી થયેલ છે.   

લોકોને અપીલ કરતા કલેકટરે કહ્યું કે, તાજેતરમાં લોકડાઉનમાં થોડી છુટછાટ મળેલ હોવાથી માર્કેટ, રોડ રસ્તા ખૂલી ગયા છે જયાં બહોળી સંખ્યામાં લોકો આવે છે. લોકોએ સાવચેતી રાખવા અને બીનજરૂરી બહાર ન નિકળવા તથા ઘરેથી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરવાનું ન ભૂલવા, ઘરે હોય કે ઘરે થી બહાર નિકળો ત્યારે થોડાથોડા સમયે હાથ સાબુથી સાફ કરવા સુચન કરેલ હતું. 

કલેકટરે કહ્યું કે, જેટલા લોકો બહારથી આપણા શેરી, મહોલ્લા, શહેરમાં આવ્યા છે  તે લોકો તેમનો કોરન્ટાઇન સમય પૂર્ણ કરે તે અંગેની તકેદારી રાખવા નગરજનોને જણાવતા જે ઘરમાં બાળકો અને વૃધ્ધો રહેતા હોય તે લોકોએ  બહારથી આવ્યે હાથ ધોયા વગર તેમના સંપર્કમાં ન આવવા અપીલ કરેલ હતી.

(11:41 am IST)