Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જસદણમાં આડેધડ બીલ ફટકારાતા ગ્રાહકોમાં PGVCL સામે રોષની લાગણી

PGVCL ના અધિકારી કહે છે લોકડાઉનમાં લોકો ઘરે હોવાથી વીજવપરાશ વધ્યો છે

જસદણ, તા. ૩ : જસદણના નાગરિકો દ્વારા વીજ બિલોનો વિરોધ કરવામાં આવ્યો છે. મોટા ભાગના ઘરોમાં તોતિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. વીજ બીલ વધુ આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વીજ બિલ માફ કરવાના બદલે પી.જી.વી.સી.એલ. દ્વારા વધારે વસુલી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ આવા સમયમાં પણ ક્રૂર મજાક કરી રહી છે.

બીજી તરફ અધિકારીઓનો દાવો છે કે, સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં વીજ વપરાશ વધારે રહે છે. લોકડાઉનના કારણે તમામ લોકો ઘરે હોય છે. જેથી ઘરમાં રહેલા તમામ એપ્લાઇન્સિસ ઉપયોગમાં રહે છે. પંખા, એસી, ટીવી, લાઇટ સહિતના તમામ સાધનો ઉપયોગમાં રહે છે જેના કારણે વીજ વપરાશમાં વધારો થાય છે.

જો કે ગ્રાહકોનો દાવો છે કે, વીજચોરોને સામાન્ય રકમના બિલો આપવામાં આવ્યા છે. મામુલી રકમના વિજબીલો આપવામાં આવ્યા છે તે મકાનોમાં ઘરઘંટી ટીવી પાણીની મોટરો પંખા એસી બલ્બ ટયુબ લાઇટ અનેક પ્રકારના વીજ સાધનો હોવા છતાં તેવા ગ્રાહકોને માત્ર પાંચસોથી હજાર સુધીના બિલ આવ્યા છે. જયારે સામાન્ય ઘરો જેમાં વીજ વપરાશ સામાન્ય હોવા છતાં મસમોટા બિલો પકડાવવામાં આવ્યા છે.

જસદણમાં દરરોજ લાખો રૂપિયાની વીજચોરી થઇ રહી છે આમ છતાં હજુ સુધી આ બાબતે એક પણ ગ્રાહકનું ઉંડાણથી મીટરનું ચેકીંગ થયું નથી. આ જબરી ખોટ નિર્દોષ ગ્રાહકોએ ભરવી પડી રહી છે.

વીજ બિલ કોઇ પ્રકારના રીડીંગ વગર ફટકાર્યા છે. કોરોનાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ મીટર રીડીંગ માટે ગયા નથી તેમણે લમસમ બિલ પકડાવી દીધું છે. તેવામાં બીલ ઓછું રાખવાના બદલે ડોઢુ કે બમણું ફટકારી દીધું છે. આવા લોકડાઉનના સમયમાં પણ આ વીજ કંપનીઓ શોષણ કરવાના પ્રયાસો કરે છે. ધંધા રોજગાર બંધ હોવાના કારણે પહેલાથી જ આર્થિક સંકટ ભોગવી રહેલા લોકોને વીજ બિલ રૂપી વધારાનો માર પડયો છે.

આ ઉપરાંત બિલ નહીં ભરવાની સ્થિતિમાં કનેકશન કાપવાની ધમકીઓ પણ ઉચ્ચારામાં આવી રહી છે એક તરફ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે કોરોના કાળના કારણે ૩૦ જૂન સુધી વીજ કચેરી ઉઘરાણી નહિ કરે અને મિનિમમ બીલ આવશે પણ જસદણ પીજીવીસીએલએ મિનિમમ બિલને બદલે મોટા બિલ ફાડી અને ૧૦ દિવસમાં ભરવાનું જણાવી દેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા છે. 

(11:35 am IST)