Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાત્રે ભાવનગરના જેશરમાં પોણો-પાલીતાણામાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસે શુકનવંતા વરસાદની પધરામણીઃ સવારથી ધુપ-છાંવ

જો કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલના અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસ્યોઃ કેરી, મગ, અડદ, તલ સહિત ઉનાળુ પાકને નુકશાન

પ્રથમ તસ્વીરમાં માણાવદરમાં ભારે પવન ફુંકાતા મંડપના ગાળા તૂટી પડયા હતા. બીજી તસ્વીરમાં ટંકારામાં વરસાદી પાણી ત્રીજી તસ્વીરમાં ભાવનગરમાં વરસાદ ચોથી તસ્વીરમાં ગારીયાધારમાં ભરાયેલા વરસાદી પાણી, પાંચમી તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા અને છઠ્ઠી તસ્વીરમાં જામજોધપુરમાં વરસાદ વરસતો નજરે પડે છે. (તસ્વીરઃ પી.એસ.રૂપારેલીયા (માણાવદર) હર્ષદરાય કંસારા (ટંકારા) મેઘના વિપુલ હિરાણી (ભાવનગર)ચિરાગ ચાવડા (ગારીયાધાર) ભાવેશ ભોજાણી (ગોંડલ) અશોક ઠાકર-જામજોધપુર)

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે ભીમ અગિયારસે શુકનવંતો વરસાદ વરસતા લોકોમાં હરખ છવાયો છે અને સમયસર ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાવનો માહોલ છવાયો છે અને રાત્રીના ભવનગર જીલ્લાના પાલીતાણામાં અડધો ઇંચ અને જેશરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જો કે ગઇકાલે અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલના અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો છે કેરી, મગ, અડદ, તલ સહિતના ઉનાળુ પાકને નુકશાન થયું છે.

ભાવનગર

ભાવનગરઃ જેશરમાં પોણો ઇંચ અને પાલીતાણામાં અર્ધો ઇંચ વરસાદ પડયોછે.

વાવાઝોડાની સંભાવના વચ્ચે જીલ્લાના બે તાલુકામાં વીજળી સાથે વરસાદ પડયો છે જેશર અને આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ પડયો છે. સુસવાટા મારતા પવન થશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

જેશરમાં ર૦ મી.મી. અને પાલીતાણામાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઇકાલે ભાવનગરમાં એક ઇંચ, શિહોર -ગારીયાધારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં.

જયારે જામનગર જીલ્લાનાં જામજોધપુરમાં  અડધો ઇંચ, કાલાવડના મોટા પાંચવડા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, ધ્રાફા, બરડવામાં હળવા- ભારે વરસાદ ઝાપટ વરસ્યા હતાં.

આ ઉપરાંત દેવભુમી દ્વારા જીલ્લાનાં ભાણવડમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તથા કેશોદ માં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે જયારે માણાવદરમાં દોઢ ઇંચ અને મેંદરડામાં પોણો ઈંચ તથા વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે્.

માણાવદર શહેર માં ૪-૪૫ આસપાસ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી ત્યારે બાદ મેદ્યરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, ત્યારે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

જૂનાગઢ જિલ્લાના માણાવદર વરસાદ શરૂ થતાં જ ગરમી થી અકળાયેલા યુવાનો વરસાદ ની મોજ માણવા નીકળી ગયા હતા અને વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી .

મામલતદાર કચેરી માંથી મળતી વિગતો પ્રમાણે ૩૨ મિલી મિટર વરસાદ નોંધાયો છે માત્ર આટલા જ વરસાદ માં મેઈન બજાર માં પાણી ભરાય ગયા હતા.

ગારીયાધાર

ગારીયાધાર : પંથકના સાતપડા-ડમરાળા ગામે સિઝનનો પહેલો વરસાદ આજે બપોર ૧ર.૩૦ વાગ્યા ખાબકી ગયો હતો. પવનના સુસવાટાઓ સાથે ૧ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ગામ લોકો ખુશખુશાલ બન્યા હતાં.

જયારે સમગ્ર શહેરમાં આજરોજ ભારે ગરમી અને ઉકળાટ રહેવા પામ્યો હતો. જયારે કેટલાક ગામોમાં માત્ર અમી છાંટણા થવા પામ્યા હતાં.

પહેલો વરસાદ આજે બપોર ૧ર.૩૦ વાગ્યા ખાબકી ગયો હતો. પવનના સુસવાટાઓ સાથે ૧ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ગામ લોકો ખુશખુશાલ બન્યા હતાં.

જયારે સમગ્ર શહેરમાં આજરોજ ભારે ગરમી અને ઉકળાટ રહેવા પામ્યો હતો. જયારે કેટલાક ગામોમાં માત્ર અમી છાંટણા થવા પામ્યા હતાં

(11:29 am IST)