Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભચાઉમાં બીડી આપવાની ના પાડતા લોખંડના હુકથી કર્યો હુમલો :શાકભાજી વેચી પેટિયું રળતાં કાછિયા યુવક ઘાયલ

અભલાએ રામજીને પીઠ, ગળા અને માથામાં હૂક મારતાં લોહીલુહાણ

 

ભચાઉમાં બીડી બાબતે શાકભાજી વેચી પેટિયું રળતાં કાછિયા પર એક યુવકે લોખંડના હૂક વડે હુમલો કર્યો છે. બનાવ સવારે 11 કલાકના અરસામાં ભચાઉના જય માતાજી ચોકમાં આવેલા ઓસવાળ જૈન ભોજનશાળાના પ્રવેશદ્વાર પર બન્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ ભચાઉના મણિનગરમાં રહેતો અને શાકભાજી વેચી રોજગાર રળતો 40 વર્ષિય રામજી મુળજી દેવીપૂજક આજે સવારે 11 કલાકે ઓસવાળ જૈન ભોજનશાળામાં મફત મળતું ભોજન લેવા પત્ની જોડે ગયો હતો. તે સમયે તેની પાસે અબ્બાસ ઓસમાણ કક્કલ ઊર્ફે અભલો નામનો શખ્સ આવ્યો હતો. અભલાએ રામજી પાસે બીડી માગી હતી પરંતુ રામજીએ પોતાની પાસે બીડી ના હોવાનું જણાવી બીડી આપવા ઈન્કાર કરતાં તે રોષે ભરાયો હતો. તેણે રામજીને થપ્પડ ઝીંકી દઈ ભેઠમાં ભરાવેલા કોથળા ઊંચકવાના લોખંડના હૂકથી હુમલો કર્યો હતો. અભલાએ રામજીને પીઠ, ગળા અને માથામાં હૂક મારતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલા બાદ તે નાસી છૂટ્યો હતો

  . ઘાયલ રામજીએ સરકારી દવાખાને સારવાર મેળવ્યા બાદ ભચાઉ પોલીસ મથકે અભલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીડી-ગુટખા વગેરે જેવા તમાકુ ઉત્પાદનોના વેચાણ પરનો પ્રતિબંધ દૂર થઈ ગયા બાદ પણ વ્યસનીઓને હજુ છૂટથી પાન-બીડી મળતાં નથી. કાળાબજારની કમાણી ચાખી ગયેલાં અનેક વેપારીઓ હજુ પણ નિયત ભાવે માલ વેચતાં નથી. તમાકુના કાળાબજાર સામે જવાબદાર સરકારી તંત્રો આંખ આડા કાન કરીને બેઠાં છે.

(11:45 pm IST)