Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

દેશ વિદેશમાં ફેમસ માંડવીની કચ્‍છી દાબેલીવાળા ગાભાભાઈ રોટીવાળાનું નિધન

નાથબાવાએ વર્ષો પહેલા કંઇક નવા ધંધાના ઇરાદે ‘ખારવા' લોકોનું શાક વેચવાનું શરૂ કયું: કરાંચીથી આવેલા રૂપસિંહ સીંધીએ તેમાં ‘પાઉ' નાખીને વેચવાનું કહ્યું.. ને પછી જમાવટ થઇ ગઇ પણ આજે એક જૂનો યુગ જાણે પૂરો થઇ ગયા..

ભુજ, તા.૩: દેશ વિદેશમાં ફાસ્‍ટફૂડમાં આપણી દેશી આઈટમ કચ્‍છી દાબેલીએ પોતાની આગવી ઓળખ જમાવી છે. તેમાંયે જયારે દાબેલીનું નામ આવે ત્‍યારે સૌને માંડવીનો ગાભો રોટીવાળો' અચૂક યાદ આવે જ. પોતાની જાતે બાદીયાન,તજ જેવા શ્રેષ્ઠ મસાલા નાખીને બટાકાનો વગાર કરી તીખી તમતમતી રોટી તૈયાર કરનાર ગાભાની રોટી જેણે એકવાર ખાધી હોય તેને અસલ દાબેલી'નો ટેસ્‍ટ બરાબરનો દાઢે વળગી જાય.

માંડવીમાં ગાભાની રોટીની ગાડી આવે તેની રાહ જોઇને દાબેલીના ચાહકો ઉભા હોય અને જોતજોતામાં તો ગાભાનો તમામ માલ ખલાસ પણ થઈ જાય. હમેંશા ગરમ શાક સાથેની દાબેલી એ ગાભાની સફળતાનું રહસ્‍ય હતી. વળી, વાસી પાઉં સાથેની ગાભાની દાબેલી ખાવાની મજા કંઈક ઓર જ હતી.

મોહન નાથબાવાનું શાક અને રૂપસિંહ સિંધીનાં પાઉંથી શરૂ થઈ માંડવીની દાબેલી...

દાબેલીના શોધક તરીકે જયારે મોહન નાથબાવાનો ૧૫ વર્ષ પહેલાં ઇન્‍ટરવ્‍યૂ કર્યો હતો ત્‍યારે તેમણે જણાવ્‍યું હતું કે, વર્ષો અગાઉ કંઈક નવો ધધો કરવાના ઇરાદે મેં માંડવીમાં દરિયો ખૂંદતા ખારવાઓ દ્વારા વહાણમાં બનાવાતું તીખું તમતમતું બટાટાનું શાક હાથલારી ઉપર ડિશમાં વેચવાનું શરૂ કર્યું હતું. પણ, એમાં કોરું કોરું લાગતું હતું. ત્‍યારે માંડવીમાં કરાચી થી આવેલા રૂપસિંહ સીંધીએ બેકરી ચાલુ કરી પાઉં અને ટોસ વેચવાનું શરૂ કર્યું હતું. રૂપસિંહ સીંધી સાથેની મિત્રતામાં તેણે પાઉંની અંદર શાક નાખીને વેચવાનું સૂચન કર્યું, મેં તેનો અમલ કર્યો અને બસ પછી તો ડબલરોટી' ના નામે જમાવટ થઈ ગઈ. પછી કચ્‍છીમાં તે રોટી' અને હમણાં તો તે દાબેલી' તરીકે ફાસ્‍ટફૂડની બેસ્‍ટ સેલર આઈટમ સાથે કચ્‍છની ઓળખ બની ગઈ છે. રૂપસિંહ સીંધી, મોહન નાથબાવા બન્ને હયાત નથી અને હવે ગાભાભાઈ પણ નથી રહ્યા. કચ્‍છી દાબેલીનો એક જૂનો યુગ જાણે પૂરો થઈ ગયો છે.

કચ્‍છના ગામેગામ અને મુંબઈના તમામ પરાઓમાં કચ્‍છી દાબેલી બની છે રોજગારીનું પર્યાય

કચ્‍છના તમામ શહેરો અને ગામોમાં કચ્‍છી દાબેલી મળશે મળશે અને મળશે જ. એજ રીતે મુંબઈના તમામ પરાઓમાં પણ કચ્‍છી દાબેલી મળે છે. માંડવીના અને પછી ભુજમાં માંડવી ડબલરોટી નામે જમાવટ કરનાર તુલસીદાસ ઠક્કરે પહેલવહેલી મુંબઈના મુલુંડમાં દાબેલી વેચવાની શરૂઆત કરી ઝળહળતી સફળતા મેળવી. આજે મુંબઈના મરાઠી લોકો પોતાની આઈટમ વડાપાઉંને ભૂલીને કચ્‍છી દાબેલી ખાય છે. સુરેશ મહેતા જયારે મુખ્‍યમંત્રી બન્‍યા હતા ત્‍યારે તેમણે પોતાના વતન માંડવીથી ખાસ ગાભાભાઈને ગાંધીનગર બોલાવીને સૌ વિધાનસભ્‍યોને દાબેલીની મોજ કરાવી હતી. ગાભાભાઈના નિધન સાથે જ કચ્‍છી દાબેલીનો એક જૂનો યુગ પૂરો થયો છે.

 મોહન નાથબાવા પછી તેમણે દાબેલીના વ્‍યવસાયનું ગૌરવ વધાર્યું હતું. હાથગાડી ઉપર ગાભાભાઈની દાબેલી ખાવા માંડવીના ભાટિયા શેઠિયાઓ ખાસ મસક્‍ત, દુબઈ અને મુંબઈથી કચ્‍છ આવે ત્‍યારે અચૂક આવતા. એટલુંજ નહીં છાપામાં વીંટેલી ગાભાની દાબેલી પ્‍લેન દ્વારા મુંબઈ અને મસ્‍કત સુધી પણ પહોંચતી હતી. એનડીટીવી ની દેશી ફૂડ શ્રેણીની ટીવી સિરીઝમાં પણ ગાભાની દાબેલી ની નોંધ લેવાઈ હતી. ગાભાની દાબેલીની સફળતાનું રહસ્‍ય બટાટાનું ટેસ્‍ટી શાક હતું.

(12:49 pm IST)