Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન ખૂટ્યો : પણ તમામ અવરોધો પાર કરી ૩૦ દર્દીઓને ઉની આંચ ન આવવા દીધી

યુવા આઇએએસ અને જીપીએસ અધિકારી દ્વારા સંયુકત રીતે પાર પડાયેલ માનવતા મિશનની કહાણી ડીવાયએસપી સમીર સારડાની જુબાની

રાજકોટ,તા.૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ઓકિસજન બાબતે મુશ્કેલી સર્જાઈ ,કોઇ પણ ભોગે આ સમસ્યા હલ ન થાયતો અનેક દર્દીઓના જીવ પર્ જોખમ હતું ત્યારે દ્વારકા જગત મંદિરની સુરક્ષા માટે ખાસ મુકાયેલ અને ઓકિસજન માટે નોડલ ઓફિસર તરીકે નીમાયેલ ડીવાયએસપી સમીર સારડા દ્વારા આવી પરિસ્થિતિમાં તેઓ દવારા મૂંઝાયા વગર દર્દીઓના જીવ બચાવવા માટે એસડીએમશ્રી.ગુરવે તથા પોતાના સ્ટાફ દ્વારા અભૂતપૂર્વ નિર્ણય  દ્વારા ૩૦ દર્દીઓના જીવ બચાવવા માટે શું કર્યું તેની વિગતો તેમની જ જુબાનીમાં 'અકિલા' સમક્ષ વર્ણવી તે અત્રે પ્રસ્તુત છે.

 ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાંથી મેસેજ આવ્યો કે સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન જથ્થો ખુટી પડે તેમ છે,આનો સીધો અર્થ એ થયો કે ૨૮ થી ૩૦ દર્દીઓ માટે  જીવનું જોખમ. યોગાનું યોગ તો જુવો રિલાયન્સમાં એ સમયે સટડાઉન જેવી સ્થિતિ હતી.સામાન્ય રીતે હેરાલ્ડ એજન્સી મારફતે ૩૦ ટનનું ટેન્કર રિલાયન્સ ટેન્કર પડાના પાટિયા પાસે આવે અને ત્યાંથી ક્રોસિંગ કરી માધવ એજન્સીના નાના નાના ૧૨ ટનના ટેન્કર દ્વારા સિવિલ હોસ્પિટલ ખંભાળીયા અને જી જી હોસ્પિટલ જામનગર અને સ્વામિનારાયણ હોસ્પિટલના વિગેરે કેટલાક ભાગમાં પહોંચાડવામાં આવે છે.                     

ડિસ્ટ્રીબ્યુટર હેરાલ્ડ નું ટેન્કર સાંજે ૬ વાગ્યે આવે તેમ હતું,હું રૂબરૂ   પડાણા ખાતે હેરાલ્ડની ઓફિસે ગયો. માલિક હાર્દિકભાઈને મળી ૩૦ દર્દીઓ પર જાનનું જોખમ હોવાની વાત સમજાવી, પરિસ્થિતિની ગંભીરતા સમજી તેવો પણ સહકાર આપવા તૈયાર થયા. આખરે મોરબી જતી ગાડીમાંથી ૩ ટન લોડ કરાવી ડબલ પાયલોટિંગ સાથે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ રવાના કરેલ.       

એ પ્લાનની અમલવારી સાથે પ્રાંત અધિકારી એવા આઇએએસ અધિકારી શ્રી.ગુર્વે દ્વારા ૩૫ બોટલ ઓકિસજન ખંભાળીયા પોલીસની મદદથી ડાયવર્ટ કરાવ્યો. ગ્રીન કોરિડોર ગોઠવી ૩૫થી ૪૦ મિનીટનો રસ્તો ૨૦મિનિટમાં કવર કરીને સમયસર ઓકિસજન પહોંચાડી દેતા જીવ ઉગારી ગયા. 

આ બનાવની આગલી રાતે પણ જયારે સ્વામિનારાયણ હોસ્પિટલમાં ઓકિસજન અછતની આશંકા જાગતા ત્યાં પણ સમયસર આઇએએસ શ્રી. ગૂર્વેજીની મદદથી સમયસર ઓકિસજન પહોંચાડી આપેલ. ઉપરોકત બંને મિશનમાં પીએસઆઇ શ્રી.મુધવે, વિશાલ વાગડીયા તથા પીએસઆઇ શ્રી.ઓડેદરા વિગેરે સ્ટાફ આ માનવતાવાદી મિશનમાં સામેલ થયેલ.

(3:19 pm IST)