Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોરબીના દર્દીઓને હવે પ્રાણવાયુના કારણે જીવ નહિ ગુમાવવો પડે

મોરબી સિરામિક ઉદ્યોગ જગતની દિવસ રાતની મહેનત રંગ લાવી, ચાર જ દિવસમાં દૈનિક ૧૦૦૦ સિલિન્ડર ભરી શકાય તેવો ઓકિસજન પ્લાન્ટ શરૂ કરી દીધો : ચાર મહિને પણ તૈયાર ન થાય તેવો ઓકિસજન પ્લાન્ટ ચાર દિવસમાં તૈયાર ૯ ટન કેપેસિટી વાળા ઓકિસજન પ્લાન્ટ માટે સરકારે ૧૪ ટન લિકવિડ ઓકિસજન ફાળવ્યું : નિયમિત ઓકિસજન મળતો રહેશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩: કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહેનારા મોરબીના દર્દીઓને ઓકિસજન માટે હવે દર દર ભટકવું નહિ પડે આજથી મોરબી સિરામિક એસોસીએશન નિર્મિત ઓકિસજન પ્લાન્ટમાં ઓકિસજનનું ઉત્પાદન શરૂ થઈ ચૂકયું છે, દૈનિક ૧૦૦૦ સિલિન્ડર ભરી શકાય તેવા આ નવ ટન કેપેસિટીના આ પ્લાન્ટ મોરબી જિલ્લાની મહત્ત્।મ જરૂરિયાત પૂર્ણ કરશે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર એસર ગ્રેનાઈટો ખાતે સિરામિક એસોસીએશનના ચારેય પ્રમુખ, પૂર્વ પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગકારો અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં આ ઓકિસજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો.

કોરોના મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે મોરબી જિલ્લાને ઓકિસજનની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો છે અને રાજકોટ સુરેન્દ્રનગરથી મળતો ઓકિસજન મર્યાદિત બનતા મોરબીને છે કે કચ્છ અને ભાવનગરથી ઓકિસજન પુરવઠો મેળવવા લાંબુ થવું પડતા મોરબી સિરામિક એસોસીએશન દ્વારા ચારેક કરોડના ખર્ચે મોરબીને ઓકિસજન માટે આત્મ નિર્ભર કરવા રાતો રાત ચારથી પાંચ દિવસમાં જ ઓકિસજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો હતો, જો કે ૯ ટન કેપેસિટી વાળા આ ઓકિસજન પ્લાન્ટ માટે જરૂરી લિકવિડ ઓકિસજનનો કવોટા ત્વરિત ફાળવવા માટે કેન્દ્ર – રાજય સમક્ષ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ઉદ્યોગકારોએ સદ્યન પ્રયાસ કરતા અંતે સરકારે લિકવિડ ઓકિસજન ફળવતા આજે સવારે ૧૧ વાગ્યે લખધીરપુર રોડ સ્થિત એસર ગ્રેનાઈટો ખાતે ઓકિસજન રિફિલ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબીને દરરોજ ૧૦૦૦ ઓકિસજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓકિસજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે ૧૪ ટન લિકવિડ ઓકિસજન ફાળવવામાં આવતા આજે સિરામિક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ કાયર્િાન્વત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓકિસજન રિફિલ પ્લાન્ટની મંજૂરીમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલો સમય લાગતો હોય છે પરંતુ મોરબીના હિતમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર ચાર જ દિવસમાં આ પ્લાન્ટની મંજૂરી લાવી આજથી ઓકિસજન રિફિલ પ્લાન્ટ શરૂ કર્યો છે જેને પગલે હવે મોરબીની હોસ્પિટલો અને કોરોનાના ઓકિસજન જરૂરિયાતવાળા દર્દીઓને મોટી રાહત મળશે.

(1:06 pm IST)