Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

'મારૃં ગામ કોરોના મુકત ગામ' અભિયાન : રાજ્યમંત્રી જાડેજા જામનગરથી જોડાયા

જામનગર તા. ૩ : ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે 'મારૂ ગામ-કોરોના મુકત ગામ' બને તે માટે રાજયવ્યાપી અભિયાનનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયના દરેક ગામને કોરોના મુકત ગામ બનાવવા માટે દરેક ગ્રામ્ય સ્તરે જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ તાલુકા વિકાસા અધિકારી અને અન્ય અધિકારીઓની ૧૦ લોકોની કમિટી બનાવી, સમગ્ર ગ્રામ્ય સ્તરે શરદી તાવના દર્દીઓની તપાસ અને વધુ સઘન કરવા સૂચન કર્યું હતુ તેમજ સંક્રમિત દર્દીઓને અલગ રાખી, સંક્રમિત દર્દીઓને સારવાર માટે ગ્રામ્યસ્તરે જ વ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જ દરેક ગ્રામજન પોતાના વિસ્તારની દેખરેખ રાખે અને વિસ્તારના દર્દીઓ માટે જમવા રહેવાની વ્યવસ્થાઓમાં સહયોગ આપે તો નજીકના ભવિષ્યમાં 'દરેક ગામને કોરોના મુકત ગામ' બનાવી શકાશે તેમ રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યકત કરી હતી.

આ તકે જામનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવી જામનગરના ગ્રામજનોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સરપંચ થી સાંસદ સુધી દરેક આ અભિયાનમાં જોડાય, તંત્ર સાથે સહયોગ સાધી અને જાગૃત બનીને દરેક ગ્રામજનો જો સહકાર આપશે તો ખૂબ જલ્દી જામનગર જિલ્લાનું 'દરેક ગામ કોરોના મુકત ગામ' બનશે.

ગુજરાત રાજયના સ્થાપના દિવસ, તા. ૧ લી મે ૨૦૨૧ થી 'મારૃં ગામ-કોરોનામુકત ગામ' અભિયાનના રાજયવ્યાપી શુભારંભમાં ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો- પદાધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાયા હતા આ અભિયાન ૧૫ મે સુધી સઘન અભિયાન તરીકે સમગ્ર રાજયમાં હાથ ધરાશે.

(1:06 pm IST)