Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોરબીના સિરામિક એસો. દ્વારા પ્લાન્ટને લીકવીડ ઓકિસજન મળી જતા કાર્યરત

પ્રતિદિન ૧૦૦૦ સીલીન્ડર ભરી શકાશેઃ ઓકસીજનની તંગી હવે નહિ થાય

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હોય અને દર્દીઓને ઓકસીજનની અછત વર્તાઈ રહી હતી જેને પગલે મોરબી સિરામિક એસો, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓના સહયોગથી તાકીદે ઓકસીજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને પ્લાન્ટ માટે જરૂરી લીકવીડ ઓકસીજન મળી જતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબી સિરામિક એસો દ્વારા માત્ર ૪ થી ૫ દિવસના ટૂંકાગાળામાં ઓકસીજન પ્લાન્ટ ઉભો કરાયો હતો કોરોના મહામારીને પગલે સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દરદીઓ તેમજ ઘરે સારવાર લેતા દર્દીઓને ઓકસીજન માટે ભટકવું ના પડે તેવા હેતુથી મોરબી સિરામિક એસો દ્વારા ઓકસીજન પ્લાન્ટ તૈયાર કરાયો હતો પ્રતિદિન ૧૦૦૦ સીલીન્ડર ભરી શકાય તેવા ૯ ટન કેપેસીટીના પ્લાન્ટને સરકારી મંજૂરીઓ પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાના પ્રયત્નોથી મળી ગઈ હતી તો પ્લાન્ટ ચાલુ કરવા લીકવીડ ઓકસીજનનો ૧૪ ટન જથ્થો સરકારે ફાળવ્યો હોય પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોરબીના લખધીરપુર રોડ પર એસર સિરામિક ખાતે આજે ઓકસીજન પ્લાન્ટ કાર્યરત કરાયો હતો જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સિરામિક એસોના પ્રમુખો મુકેશ કુંડારિયા, નીલેશ જેતપરિયા, કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્લાન્ટ કાર્યરત કરાયો છે ૧૪ ટન લીકવીડ ઓકસીજન મળ્યો છે અને જરૂરિયાત મુજબ ઓકસીજન મળતો રહેશે જેથી પ્લાન્ટ થકી મોરબી ઉપરાંત અન્ય જયાં જરૂરત હોય ત્યાં ઓકસીજન પૂરો પાડવામાં આવશે.

(1:03 pm IST)