Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કમોસમી વરસાદ સાથે વીજળી પડતા ખેડૂત ભડથુ

જૂનાગઢના ઈશાપુર ગામની ઘટનાથી અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩ :. કમોસમી વરસાદ સાથે વીજળી પડતા જૂનાગઢના ઈશાપુર ગામના વૃદ્ધ ખેડૂત ભડથુ થઈ જતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ હતી.

 

જૂનાગઢ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં રવિવારે ફરી માવઠુ થયુ હતું. બપોરના ૪૦.૨ ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યા બાદ સાંજના ૫ વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘગર્જના સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. થોડીવારમાં રસ્તા પર પાણી દડવા લાગ્યા હતા.

જૂનાગઢ શહેરની સાથે જૂનાગઢ તાલુકાના ઈશાપુર ગામ સહિતના વિસ્તારોમાં પણ માવઠુ થયું હતું.

આ દરમિયાન ઈશાપુર ગામના વિઠ્ઠલભાઈ રૈયાભાઈ કાપડિયા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ખેડૂત તેમની વાડીએ કામ અર્થે ગયા હતા. ત્યારે વરસાદ સાથે વીજળી વિઠ્ઠલભાઈની છાતી પર પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ રાત્રે ૧૧.૨૦ કલાકે ફરજ પરના તબીબ ડો. કરમુરે વિઠ્ઠલભાઈને મૃત જાહેર કર્યા હતા. આમ વગર ચોમાસે ભરઉનાળે પડેલા કમોસમી વરસાદની સાથે ત્રાટકેલી વીજળીએ વૃદ્ધ ધરતીપુત્રનો ભોગ લેતા ગ્રામ્ય પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

દરમ્યાન આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૬.૯ ડિગ્રી નોંધાતા સવારથી જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ છે. સવારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૪૯ ટકા રહ્યુ હતું અને પવનની ગતિ ૫.૫ કિ.મી.ની રહી હતી.

આમ આજે પણ બપોરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહેવાની શકયતા નકારી શકાતી નથી.

(12:58 pm IST)