Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કચ્છમાં ઓકિસજનના અભાવે દર્દીઓના મોત : કોંગ્રેસના પ્રહારો

ઓકિસજનના અભાવે એક પણ મોત નહીં એવા રાજ્યમંત્રી આહીરના નિવેદન વચ્ચે કોંગ્રેસે કચ્છ કલેકટરને લખ્યો પત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : કચ્છમાં કોરોનાના દર્દીઓ માટે તબીબી સુવિધાઓની અછતના મુદ્દે મચેલી બૂમરાણ વચ્ચે રાજયમંત્રી વાસણભાઈ આહીરે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, કચ્છમાં ઓકિસજનના અભાવે એક પણ મોત નીપજયું નથી.

જોકે, તે વચ્ચે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાજુવેન્દ્રસિંહ જાડેજાએ કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે, કચ્છમાં ઓકિસજનની અછતથી કોરોનાના દર્દીઓના મોતનું પ્રમાણ વધ્યું છે. અત્યારે ઓકિસજનની જરૂરિયાતનો માત્ર ૨૫ ટકા જથ્થો જ કચ્છને મળે છે. ત્યારે દર્દીઓના જીવન બચાવવા જરૂરીયાત મુજબનો ઓકિસજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

કચ્છમાં આવેલ ઓકિસજન પ્લાન્ટ ધરાવતી કંપનીઓ કાળાબજારમાં ઓકિસજન વેચતી હોવાની ફરિયાદ કલેકટર તંત્રને નામજોગ કરાઈ હોવાનું પણ જણાવાયું હતું. તો, ઓકિસજન પ્લાન્ટ દ્વારા સ્થાનિક રાજકીય નેતાઓને ઈશારે તંત્રએ જિલ્લા બહાર ઓકિસજનનો જથ્થો મોકલીને દર્દીઓને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હોવાના સવાલો પણ પત્રકાર પરિષદમાં પૂછાયા હતા. 

કોરોના દરમ્યાન દર્દીઓની ફ્રી સેવા કરનાર ભુજ, અંજાર અને ગાંધીધામની હોસ્પિટલોના સંચાલક ટ્રસ્ટો પણ અત્યારે ઓકિસજનના અભાવે દર્દીઓની સારવાર બંધ કરવી પડશે એવું જણાવતાં નિવેદનો અને રજૂઆતો સતત કરતાં રહ્યા છે.

(11:47 am IST)