Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ટંકારા તાલુકામાં દર્દીઓની ભારે દુર્દશા , કોઇ જાતની સુવિધા નથી : 'મારૂ ગામ કોરોના મુકત' સરકારનું અભિયાન પણ સહાયતા કોણ આપશે ? : હવે બચાવો.. માજી સરપંચનો પોકાર

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૩: મારૂ ગામ વીરપર ( મ ) જ નહિ ટંકારા તાલુકો કોરોના મુકત કરવો છે પણ સહાયતા કોણ આપશે ? માજી સરપંચ નાગજીભાઈ બાવરવા એ વેધક સવાલ કરેલ છે.

મુખ્યમંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સથી મારુ ગામ કોરોના મુકત ગામ અભિયાનનું ગુજરાત સ્થાપના દિવસે પ્રારંભ કરાયેલ છે. વિરપર ગામના માજી સરપંચ નાગજીભાઈ બાવર વાએ વિરપર ગામના લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરેલ છે.

નાગજીભાઈ બાવરવા જણાવેલ કે અમો ફકત વીરપર ગામ જ નહીં પરંતુ આખો ટંકારા તાલુકો કોરોના મુકત કરવા માંગીએ છીએ. તેમાં અમોને શું સહકાર મળશે ?

બાવરવાએ ટંકારા તાલુકાની દુઃખ સાથે વ્યથા જણાવેલ છે  કે, અત્યારે ટંકારા તાલુકો ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ છે. ગામડે ગામડે સંક્રમણ ફેલાયેલ છે.

ગત વર્ષની કોરોના મહામારી માં ,કોરોના ના દર્દીઓને હોમકોરનટાઈન કરાતા હતા. તેના મકાનો ઉપર સ્ટીકર લગાવતા હતા. પોલીસ પહેરો મુકાતો હતો. શેરી લતાઓ પતરા મારી આડશ મૂકી અવર જવર માટે બંધ કરાવતા હતા. લોક ડાઉન પણ કરાયેલ. આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે દર્દીઓને તપાસની કરી દવાઓ આપતા હતા. ઉકાળાનું તથા દવાઓનું વિતરણ થતું હતું .

પરંતુ આ વર્ષે સરકારે હાથ ઊંચા કરી પોતાની જવાબદારી ખંખેરી નાખેલ છે . લોકોને, દર્દીઓને ભગવાન ભરોસે મૂકી દીધેલ છે.

ટંકારા તાલુકાના દર્દીઓ માટે કોવિડ કેર હોસ્પીટલ નથી. મોરબી -રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવા જગ્યા નથી .ઓકિસજન ના બાટલા ઓ નથી, રેમડે સિવિર ઇન્જેકશન નથી, કોરોના ટેસ્ટિંગ કિટો નથી.

ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦ ,૧૦ કીટોની ફાળવણી થાય છે.સીટી સ્કેનની સુવિધા ફકત ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છે. કોરાના પોઝિટિવ આવે તો દર્દીને કયાં દાખલ કરવો એ પ્રશ્ન છે.

ટંકારા તાલુકાની ૫૦,૦૦૦ની વસ્તી માટે આરોગ્યની પુરતી સુવિધા નથી.

ગત વર્ષ ની મહામારી માં સેવાભાવી લોકો , સંસ્થાઓ દ્વારા જરૂરિયાતવાળાઓને ભોજન અપાતુ હતું. આ વર્ષની મહામારીમાં હોમ કોરનટાઈન દર્દીઓ તથા ઓકિસજનની જરૂરિયાત વાળા દર્દીઓ ઓકિસજનના બાટલાઓ માગે છે પરંતુ આપવા કયાંથી ?સેવાભાવી લોકો , સંસ્થાઓ દ્વારા સ્વખર્ચે ઓકિસજનના બાટલા ઓ વસાવવામાં આવ્યા છે .પરંતુ ઓકિસજન ભરવાની ટંકારામાં સુવિધા નથી. આખા ટંકારા તાલુકાના ૫૦ ગામ વચ્ચે ઓકિસજનના ૫૦ બાટલાઓ ભરવાની મંજૂરી મળતી નથી. દરરોજ ૫ બાટલા ઓ ની મંજુરી આપવા આવતી નથી.

સેવાભાવી લોકો પાંચ બાટલા ઓકિસજનના ભરાવવા ૨૦૦ કિલો મીટર દૂર સિહોર જાય છે.

ટંકારા તાલુકાના લોકોએ એ તાલુકા પંચાયત શાસક પક્ષની બનાવેલ છે. છતાં ઓરમાયું વર્તન કરવામાં આવેછે. ટંકારા તાલુકો ધણીધોરી વગરનો છે. લોકો ની ફરિયાદો સાંભળે તેવા અધિકારી પણ નથી .

ટંકારા સરકારી હોસ્પિટલમાં ૫૦ બેડની હોસ્પિટલ શરૂ કરવા બે ડોકટર તથા સ્ટાફ ની માગણી કરાયેલ. પરંતુ ડોકટરો ફાળવવામાં ના આવતા કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં શરૂ થઈ શકી નથી.

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી, લજાઈ, નેકનામ તથા નેસડા ગામ માં ૩૦,૩૦ બેડના કેર સેન્ટર શરૂ કરાયેલ છે પરંતુ ત્યાં ઓકિસજનના બાટલા ઓ ફાળવવામાં આવેલ નથી. તેથી એક પણ દર્દી દાખલ થયેલ નથી.

ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ૫૦ બેડની સુવિધા સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરાયેલ છે. પરંતુ ઓકિસજનના બાટલા ઓ આપવામાં આવતા નથી .દર્દીઓને બચાવવા સંચાલકો શું કરી શકે ? લોકોની કેવી મજબૂરી !

ટંકારા તાલુકાના લોકો ભયના ઓથાર નીચે જીવે છે. ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે દસ દિવસમાં ૯ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે.ટંકારામાં એક જ દિવસમાં પાંચ પાંચ વ્યકિતઓના અગ્નિ સંસ્કાર થયા છે .ગામડે ગામડે સ્મશાનોમાં લાકડા જ નહીં પરંતુ લોકોની આંખોમાં આંસુઓ ખૂટી ગયા છે. એપ્રિલ માસમાં ટંકારા તાલુકાના ગામડે ગામડેથી મરણના આંકડાઓ મેળવી જાહેર કરવામાં આવે તો ટંકારા તાલુકામાં કેવી ભયંકર પરિસ્થિતિ છે તે બહાર આવે તેમ છે.

ટંકારા તાલુકામાં દર્દીઓની ભારે દુર્દશા છે.

તાલુકાના એક ગામડામાં કુટુંબની એક વ્યકિતને જુનાગઢ બીજી વ્યકિતને રાજકોટ સારવાર માટે દાખલ કરાયેલું આ બંને વ્યકિતઓનો સારવાર દરમિયાન મૃત્યુ થયેલ. આ કુટુંબ ઉપર ભારે વ્રજ ઘાત થયેલ છે. ગામડે ગામડે મૃત્યુઆંક ઊંચો છે. કોરોનાના ડરથી મૃત્યુ પામનાર પરિવારના ઘરે ગ્રામજનો આશ્વાસન દેવા કે છાના રાખવા જતા નથી. ટંકારા તાલુકા માટે ડોકટરો સ્ટાફ દવાઓ ઓકિસજનના બાટલા રેમડેસિવિર ઇન્જેકશન, વેન્ટિલેટર સાથેની સુવિધા સાથે હોસ્પિટલ શરૂ કરાય તોજ મારુ ગામ મારો તાલુકો કોરોના મુકત થઈ શકશે .નાગજીભાઈ બાવરવા એ તાલુકાના દર્દીઓને બચાવવા જણાવેલ છે.

(11:45 am IST)