Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કચ્છમાં 'થન્ડર સ્ટ્રોમ',વાદળીયો માહોલ,નખત્રાણામાં વરસાદ- શું ફેની વાવાઝોડાની અસર?

( વિનોદ ગાલાદ્વારા ભુજ) એકબાજુ આખા દેશની નજર ઓરિસ્સામાં ત્રાટકેલા ફેની વાવાઝોડા ઉપર છે, ત્યાં બીજી તરફ સખત ગરમી વચ્ચે કચ્છમાં એકાએક હવામાનમાં આવેલા પલટાએ લોકોના મનમાં કુતુહુલ સાથે સવાલો ખડા કર્યા છે. જોકે, આ બાબતે હવામાન વિભાગની વાત જાણીએ તે પહેલાં કચ્છમાં એકાએક બદલાયેલા વાતાવરણની વિશે જાણી લઈએ. આજે સાંજે સમગ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે ધુળિયો માહોલ છવાયો હતો. ઠેર ઠેર ધુળો ની ડમરીઓ સાથે રોડ, રસ્તા, બજારો, ખેતરો અને શેરી ગલીઓ ધૂળિયો માહોલ છવાયો હતો. ભુજનો ભુજીયો ડુંગર આડે પણ ધૂળનું આવરણ રચાઈ ગયું હતું. તેની વચ્ચે નખત્રાણા અને આજુબાજુના ગામોમાં એકાએક જોરદાર પવન સાથે બરફના કરા અને પછી વરસાદી ઝાપટું ત્રાટક્યું હતું. વરસાદ સાથે એકાએક હવામાનમાં આવેલા પલટાથી લોકોમાં પણ ક્યાંક ચિંતા, તો ક્યાંક કુતુહુલ ફેલાયું હતું. કારણકે, સમાચારોમાં ફેની વાવાઝોડાની સતત ચર્ચા થઈ રહી છે. 

કચ્છમાં બદલાયેલા હવામાન અંગે 'અકિલા'એ વાસ્તવિક પરિસ્થિતિ જાણવા જિલ્લા હવામાન અધિકારી રાકેશકુમાર નો સંપર્ક કર્યો. તો, તેમણે શું કહ્યું? કચ્છના હવામાન માં થયેલા ફેરફરમાં ફેની વાવાઝોડાની ક્યાંયે કોઈ અસર નથી. આ સખત ગરમીને કારણે હવામાનમાં થતા ફેરફારનું કારણ છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'થન્ડર સ્ટોર્મ' કહેવાય છે. ક્યાંયે ભેજવાળું વાતાવરણ રચાયું હોય અને વધુ પડતી ગરમી હોય ત્યારે 'પ્રી મોન્સૂન' (ચોમાસા પહેલા બનતું વાતાવરણ) એક્ટિવિટીની જેમ વરસાદ પડે છે. આ માહોલ બે કલાકમાં જ વિખરાઈ જશે. ફરી પાછું કચ્છમાં વાતાવરણ પહેલાં જેવું જ થઈ જશે દિવસે વધુમાં વધુ તાપમાન ૪૦°/૪૧° ડિગ્રી આસપાસ અને રાત્રે ઓછામાં ઓછું તાપમાન ૨૫° આસપાસ રહેશે.

(6:08 pm IST)