Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

૧પ૦ ટકા જેટલો ગેસનો ઉપયોગ કરનાર મોરબીના ૧પ સિરામીક ઉદ્યોગોના કનેકશન કાપી નખાશે

મોરબીઃ મોરબીમાં નેચરલ ગેસ ઉપર ૨૦ ટકાનું કપાત મુક્યા બાદ તેનું પાલન કરતા સીરામીક એકમો સામે જીએસપીસીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૧પ૦ ટકા જેટલો ગેસ વાપરનાર ૧પ સીરામીક એકમોનું ગેસકંપની દ્વારા કનેકશન કાપી નાખવામાં આવશે. ઉપરાંત ૧પ૦ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરનાર એકમોને વોર્નિંગ પણ આપવામાં આવી છે.

સીરામીક ઉદ્યોગોના વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ તરફ વળ્યા છે. ત્યારે ગેસની ઓચિંતી વધેલી માંગના કારણે થોડા દિવસ ગેસના ધાંધીયા પણ સર્જાયા હતા. બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીક એકમોના ગેસ વપરાશ ઉપર ૨૦ ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ લિમિટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે જીએસપીસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧પ સીરામીક એકમો ૧પ૦ ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું ખુલતા તેમનું ગેસ કનેકશન જીએસપીસી દ્વારા કાપી નાખવામાં આવનાર છે. ઉપરાંત ૧૯૦ સીરામીક એકમો એવા નીકળ્યા છે જે ૧પ૦ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરે છે. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામાં આવી છે.

જીએસપીસીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સિરામીક એકમો લિમિટથી વધુ ગેસનો વપરાશ કરે તો પાઇપલાઇન બેસી જવાની ભીતિ રહે છે. જેના કારણે ૧૬ હજાર જેટલા રેસિડેન્ટ કનેકશનોને પણ નુકશાન પહોંચી શકે તેમ છે. આથી ગેસ કંપની દ્વારા આ મામલે કડકથી અમલવારી કરાવવામાં આવી રહી છે.

(4:57 pm IST)