Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કચ્છમાં લિગ્નાઇટ ખાણ બંધ કરાતા ૧૦ હજાર ટ્રકના પૈડા થંભ્યા

જીએમડીસીના નિર્ણયથી હજારો પરિવારો બેકાર થવાની ચિંતાઃ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની જન આંદોલનની ચિમકી

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.૩:  જીએમડીસી દ્વારા કચ્છમાં આવેલી માતાના મઢ ખાણના લિગ્નાઈટના જથ્થાને જિલ્લા બહાર મોકલવા લદાયેલા પ્રતિબંધને પગલે કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગશે અને હજારો પરિવારો બેરોજગાર બનશે એવી ચિંતા સાથે પશ્યિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

તેમની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વી.કે. હુંબલ અને અન્ય કોંગ્રેસી આગેવાનો સાથે રહ્યા હતા. તમામ રજૂઆત કર્તાઓએ જીએમડીસીના નિર્ણયને રદ્દ કરીને ઝડપભેર માતાના મઢ લિગ્નાઈટની ખાણ શરૂ કરવાની માંગ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સમક્ષ કરાઈ હતી.  ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને પશ્યિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરાયેલી રજુઆતમાં કચ્છમાં મોટાપાયે બેરોજગારી સર્જાવાનો ભય અને ચિંતા વ્યકત કરાઈ છે. રજુઆત અનુસાર માતાના મઢ ખાણમાં દરરોજની ૭૦૦ થી ૮૦૦ ટ્રકો ભરાતી હતી.

કચ્છમાં ૧૦ હજાર ટ્રકો લિગ્નાઈટના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તેમના પૈડાં હવે થંભી જશે. તેને સંલગ્ન કલીનરનો વ્યવસાય, રીપેરીંગ, પંકચર, ઓટોમોબાઇલ્સ,  ડીઝલ પમ્પ, હાઈ વે હોટલો, લિગ્નાઇટ વેચનારાઓ, ડીઓ લેટર સાથે સંકળાયેલાઓ હજારો પરિવારો બેકાર થઈ જશે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જીએમડીસીના અધિકારીઓના નિષ્ફળ વહીવટને આ માટે જવાબદાર ગણાવી ભૂતકાળમાં ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલે કચ્છની લિગ્નાઇટ ખાણો શરૂ કરવાના વચનની યાદ અપાવી હતી.

પાનધ્રો, ઉમરસર અને માતાના મઢની ખાણોમાં લિગ્નાઇટનો પૂરતો જથ્થો હોવા છતાંયે ઉદ્યોગના ઈશારે જથ્થો રિઝર્વ રાખવાના બહાના તળે કચ્છની ખાણો બંધ કરી કચ્છના લોકો સાથે અન્યાય કરાઈ રહ્યો છે. જો, લિગ્નાઇટની ખાણ શરૂ નહી કરાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ભુજમાં કલેકટર કચેરી સામે આંદોલનની ચીમકી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ઉચ્ચારી છે. પોતાની રજૂઆતનો પત્ર ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મુખ્યમંત્રી, મુખ્યસચિવ, ખાણ ખનીજ મંત્રી, વિરોધપક્ષના નેતાને મોકલ્યો છે.(૧.૧૮)

(3:41 pm IST)