Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કુચીયાદળ પાસે દિવાલ તૂટી પડતાં દબાયેલા ત્રીજા બાળકનું પણ મોતઃ સાપરાધ મનુષ્ય વધનો ગુનો

પાંચ વર્ષના સંજયએ પણ દમ તોડતાં મૃત્યુઆંક ૩ થયોઃ ગટરનું કામ રાખનાર વરાહા ઇન્ફાસ્ટ્રકચરના એન્જિનીયર, હિટાચી વાહનના સંચાલક, ડ્રાઇવર અને કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઇઃ દિવાલ પાસે ગટર ખોદવાથી દિવાલ નબળી પડે તેમ જાણતા હોવા છતાં અને માટી-પથ્થર દિવાલની અંદર નાંખતાથી દબાણ વધે તેમ જાણતા હોવા છતાં તમામે : બેદરકારી દાખવ્યાનો આરોપ

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પર કુચીયાદળ ગામમાં રોડ સાઇડમાં ગટરનું કામ ચાલુ હોઇ ત્યાં મજૂરી માટે આવેલા મધ્યપ્રદેશના પરિવારોના ત્રણ બાળકો બુધવારેે સાંજે સવા ચારેક વાગ્યે કુચીયાદળના સ્મશાનની દિવાલના છાંયડે રમતાં હતાં ત્યારે અચાનક દિવાલ ધસી પડતાં ત્રણેય બાળકો દબાઇ ગયા હતાં. જેમાં છ માસની બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી બાળકી અને બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વધુ એક બાળકીએ દમ તોડી દેતાં મજૂર પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. દરમિયાન સારવારમાં રહેલા ત્રીજા બાળકનું પણ મોત નિપજ્યું છે. પોલીસે ગટરના કામનો કોન્ટ્રાકટ રાખનાર કંપનીના એન્જિનીયર, અધિકારીઓ, કર્મચારીઓ, હિટાચી વાહનના સંચાલક-ડ્રાઇવર સહિતની સામે આઇપીસી ૩૦૪, ૧૧૪ મુજબ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

મુળ મધ્યપ્રદેશના રાજુ કાળુભાઇ ગુંડીયા અને કમલ થાવરેભાઇ સાવલીયા તેના પરિવારજનો સાથે દસેક દિવસથી કુચીયાદળ પાસે ગટર ખોદવાના કામની મજૂરી માટે આવ્યા હોઇ અહિ જ ઝૂપડા બાંધી રહેતાં હતાં. ગત સાંજે આ બંને પોતાની પત્નિઓ સાથે મજૂરી કામમાં વ્યસ્ત હતાં ત્યારે તેમના બાળકો સંગીતા રાજુ ગુંડીયા (ઉ.૩), રિન્કલ કમલ સાવલીયા (ઉ.૬ માસ) તથા સંજય કમલ સાવલીયા (ઉ.૫) નજીકના સ્મશાનની દિવાલના છાંયડે બેસીને રમતાં હતાં. આ વખતે અચાનક દિવાલ તૂટી પડતાં ત્રણેય બાળકો દબાઇ જતાં દેકારો મચી ગયો હતો.

બેભાન હાલતમાં ત્રણેયને કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં ૬ માસની રિન્કલને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે સંગીતા અને સંજયને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સંગીતાએ પણ દમ તોડી દેતાં બંને બાળાના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. દરમિયાન સંજય કમલભાઇ ગુંડીયા (ઉ.૫)નું પણ સાંજે મોત નિપજતાં મૃત્યુઆંક ૩ થઇ ગયો હતો.

કુવાડવાના પી.આઇ. પી.એમ. પરમાર અને પીએસઆઇ વી. પી. આહિર અને હેડકોન્સ. હમીરભાઇ આહિર , હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતે આ બનાવમાં મૃતક બાળકના પિતા કમલ થાવરસિંગ ગુંડીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ પાસે પાણીના નિકાલ માટેની ગટરનું કામ રાખનાર વરાહા ઇન્ફાસ્ટ્ર્કચર લિમિટેડ (વીઆઇએલ)ના સાઇટ એન્જિનીયર શ્રી માલી, હિટાચી વાહનના સંચાલક, તેના ડ્રાઇવર તથા વરાહા કંપનીના જવાબદાર અધિકારીઓ, કર્મચારી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ગટરનું ખોદકામ ચાલી રહ્યું હોઇ જેમાં એન્જિનીયર જાણતા હતાં કે દિવાલ પાસે ગટર ખોદવાથી દિવાલ નબળી પડી શકે તેમ છતાં હિટાચી વાહનના સંચાલક-ડ્રાઇવરને ખોદકામ સોંપ્યુ હતું. એટલુ જ નહિ ખોદકામથી નીકળેલા મોટા પથ્થરો અને માટીનો જથ્થો પણ દિવાલની અંદર સાઇડ નાંખવામાં આવ્યા હતાં. તેના કારણે પણ દિવાલ પર દબાણ થયું હતું. સપોર્ટ વગરની નબળી દિવાલ તૂટી પડી હતી અને ત્રણ બાળકોના દબાઇ જતાં મોત નિપજ્યા હતાં. બેદરકારીથી મોત નિપજાવવા સબબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:17 pm IST)